યશોદાધામ બળાત્કાર પ્રકરણે માહિતી આપનારને 10 હજારનું ઈનામ અપાશે

યશોદાધામ બળાત્કાર પ્રકરણે માહિતી આપનારને 10 હજારનું ઈનામ અપાશે
ગાંધીધામ, તા. 27 : ભચાઉ તાલુકાના યશોદાધામ નજીક કુમળી વયની બાળકી ઉપર પાશવી બળાત્કારના ઘૃણાસ્પદ પ્રકરણમાં બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષકે સ્થળની મુલાકાત લઈ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમજ આ કૃત્ય કરનારની માહિતી આપનારને રૂા. 10,000નું ઈનામ આપવા પોલીસે જાહેરાત કરી હતી. યશોદાધામ નજીક આવેલી એક સોસાયટીમાં ગત તા. 20/5ના સાંજના સમયે આ અધમ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો. ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે એક નરાધમે તેને બાવળોની ઝાડીમાં ખેંચી જઈ તેના ઉપર પાશવી કૃત્ય આચર્યું હતું. આ બનાવમાં સ્થાનિક પોલીસે અનેક શંકાસ્પદ શખ્સોની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી આરોપી પકડાયો નથી તેવામાં આજે રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ઝીણવટપૂર્વક પૂછપરછ કરી હતી. આ બનાવમાં વૈજ્ઞાનિક ઢબે તેમજ ઊંડાણપૂર્વક તથાઝીણવટભરી તપાસ કરવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી.આ બનાવના આરોપીની ઓળખ, માહિતી આપનારને પોલીસ દ્વારા રૂા. 10,000ના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. માહિતી આપનારની સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ અંગે કોઈને માહિતી મળે તો પી.આઈ. ડી.બી. પરમાર મો. નં. 98252 18159 તથા ભચાઉ પોલીસ મથક નંબર 02837-224036 ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer