થોડુંક સંગીત ને પુષ્કળ વાંચન

થોડુંક સંગીત ને પુષ્કળ વાંચન
નિમિષ વોરા દ્વારા-  ભુજ, તા. 27 : કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે દેશ-વિદેશમાં લોકડાઉનનો અમલ છે, ત્યારે ભારતનું અર્થમથક મુંબઈનું લોકજીવન ઘરમાં નજરકેદ બન્યું છે. સતત વ્યસ્ત રહેતી સેલિબ્રિટી ભલે કંટાળો અનુભવી રહી છે, ત્યારે કચ્છનું ગૌરવ એવા મહાન સંગીત નિર્દેશક જોડી કલ્યાણજી -આણંદજી પૈકીના આણંદજીભાઈ શાહ પોતાના નિવાસસ્થાને મુંબઈમાં મોજથી મનપસંદ પ્રવૃત્તિથી સમય વિતાવે છે.ટેલિફોનિક સાક્ષાત્કારમાં પદ્મશ્રી સંગીતકાર આણંદજીભાઈએ કરેલી નિખાલસ વાતો વર્તમાન સમયમાં વાચકો માટે જોમ-જુસ્સો પૂરો પાડનારી બની રહેશે. `જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે તુમ દિન કો અગર રાત...' ગીત ગણગણાવતા આણંદજીભાઈએ પોતાની રમૂજી અદામાં વાતનો તંતુ સાધ્યો અને કહ્યું કે, અત્યારે લોકડાઉનના સમયમાં આ ગીતના શબ્દો જેવી દશા છે. સવાલ : અત્યારે તમારી દિનચર્યા શું છે ? મને હતું કે, કમ્પોઝર છે એટલે વિશ્વનું શ્રેષ્ઠ સંગીત સાંભળતા હશે પરંતુ તેમનો જવાબ હતો કે, અત્યારે મારું થોકબંધ વાંચન ચાલુ છે. બંગાળી,  મરાઠી સાહિત્ય, ફિલોસોફીના પુસ્તકો વાંચી રહ્યો છું, બાકી સંગીત તો છે જ, મારા, અમારા કે અન્ય સંગીતકારોના સારા કમ્પોઝિશન સાંભળવામાં સમય પસાર થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે, આપણે કુદરતની તાકાતને પહેલી વખત સમજી શક્યા છીએ. કારણ કે દુનિયા પહેલી વખત આટલી લાચાર જોવા મળી છે. તમે કહો ? કોઈ જ્યોતિષે આની આગાહી કરી હતી ? જો કે ધર્મો તો માર્ગદર્શન આપતા જ રહે છે, તેવું જણાવીને ચુસ્ત જૈનધર્મી આણંદજીભાઈએ ઉમેર્યું હતું કે, જૈન ધર્મ આહાર, વિહાર અને સંક્રમણ અટકાવવા મ્હોંપટ્ટીની માર્ગદર્શિકા સેંકડો વર્ષો પૂર્વે બનાવી છે, જેને આજે અનુસરવી જરૂરી બની છે. હવે મૂળ સંગીતની વાતનો તાર જોડતાં સવાલ કર્યો કે, અગાઉ તમને ઈન્ડસ્ટ્રી સાવ જ બંધ રહી હોય તેવી ઘટના તમને સાંભરે ? તેવા સવાલના પ્રત્યુત્તરમાં 87 વર્ષીય સિનિયર મોસ્ટ કમ્પોઝરે ઉમેર્યું હતું કે, આ અનુભવ ફિલ્મી જગત માટે નવો છે, અગાઉ ભારત-પાક યુદ્ધ વખતે ક્યારેય કામ બંધ રહ્યું નથી. અમે પણ ફિલ્મી ગીતોના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યાં છે. અલબત્ત હવે યુગ પણ બદલાયો છે અને હવે આપણે સૌએ આ પરિસ્થિતિમાં જીવવું પડશે તે સ્વીકારી લેવામાં જ સાર છે. અત્યારના સંગીતમાં માધુર્યની રૂહ નથી, આવા બેજાન સંગીત સર્જન પાછળ જવાબદાર કોને ગણી શકાય ? સંગીતકાર, નિર્માતા કે અત્યારની પેઢીના શ્રોતાઓને ? આ સવાલ કરતાં જ આણંદજીભાઈએ તેમાં કોઈને દોષ દેવાનું મુનાસીબ માન્યું ન હતું. પ્રત્યુત્તર લંબાવતાં તેમણે કહ્યું હતું કે, કમ્પોઝર જૂની પેઢીના હોય  કે નવી પેઢીના તેઓ કાબેલ સંગીતકાર જ હોય છે. રહી વાત તુલનાની તો જૂની ફિલ્મોમાં કથાનું વૈવિધ્ય હતું. આજે સબજેક્ટ જ બદલાયા છે. વળી મ્યુઝિક કંપની પોતે જ ફિલ્મોનું નિર્માણ કરે છે. તેમની કોઈ જૂના હિટ સોંગના રિમિક્સિની ફરમાઈસ હોય છે. બાકી તો જેવું ક્રિએશન થાય તે જ લોકોને સાંભળવાનું હોય છે. વાત કરતાં જ તેઓ ફિલ્મોના '60-'70ના સંગીતના સુવર્ણયુગમાં સરી પડયા હતા. તેમણે કહ્યું કે, `િહમાલય કી ગોદમેં' ફિલ્મનું સંગીત તૈયાર કરતી વખતે પહાડી સંગીતનો અભ્યાસ કરીને પં. શિવકુમાર શર્મા અને પં. હરિપ્રસાદ ચોરસિયાને સંતુર અને ફલ્યુટ સાથે રેકોર્ડિંગમાં તેમને તક આપી હતી. ફિલ્મમાં મુકેશનું ગીત સાંભળશો તો મૈં તો એક ખ્વાબ હૂં...ગીતના સ્ટાર્ટિંગ ઈન્ટ્રોડક્શન પીસમાં અમારે એક વાદ્યનો ઉપયોગ કરવાની ઈચ્છા હતી. અમારે તેમાં `ફ્રેન્ચ હોર્ન' વગાડવું હતું. તેના વાદક ભારતમાં એક માત્ર તે નેવીમાં હતા અને તે પંદર  દિવસ માટે કયાંક અન્યત્ર હોવાથી અમે નિર્માતા-નિર્દેશક વિજય ભટ્ટને પંદર દિ' રોકાઈ જવા કહ્યું, તેમણે પૂરતી સ્વતંત્રતા આપી અને આ 15 દિવસ બાદ એક જ  પીસ માટે રેકોર્ડિંગ કર્યેં. આ ટાંકણે તેમણે વર્તમાન સંગીત પર એવી ટકોર કરી હતી કે, આજે સંગીતકારોને ફિલ્મનો હીરો, સ્ટોરી વિશે કશી ખબર હોતી નથી, તેમને વાકેફ કરાતા નથી અને કહેવામાં આવે છે, મુન્ની બદનામ હુઈ ગીત બનાવો. હવે સંગીતકારને મુન્ની કોણ છે અને કયાંની છે ??તેની પણ ખબર ન હોય તો હાલત શી થાય ? જૂની ફિલ્મો માટે કેટલી મહેનત કરવી પડતી ? તે વિશે કહ્યું હતું કે, તે વખતે એક એકથી ચડિયાતા કલાકારો તો હતા, શ્રેષ્ઠ ગીતકારો હતા. ગીત બનાવતા પૂર્વે મિટિંગ થતી, ચર્ચા થતી હતી. તે પછી તેમાંથી કશુંક નીપજતું તે શ્રેષ્ઠ બનતું હતું. અમે ઘણી વખત અમારા આદર્શ એવા `બર્મન દાદા' એસ.ડી. બર્મનને મળીને કહી શકતા કે, હમને યે ગાના થોડા આપસે ઈન્સપાયર હો કે બનાયા હૈ, જરૂર સુનના, એકબીજા પ્રત્યે લાગણીભર્યા સંબંધ હતા. આ વાત કહેતા તેમણે પોતાના સમકાલીન શંકર-જયકિશન, નૌશાદ, ઓ. પી. નૈયર , મદન મોહન સૌને યાદ કર્યા હતા.  આણંદજીભાઇને પૂછયું...  આજની પેઢીના કયા સંગીતકાર તમને દમદાર લાગે છે, તો કહ્યું અત્યારના સંગીતકારોમાં આનંદ મિલિન્દ અને જતિન-લલિતનું કામ ગમ્યું છે. ગીતોની વાત માંડતાં તેમણે કેટલીક રસપ્રદ વાતો કરી... જૂની યાદોમાં સરી પડતાં આણંદજીભાઇએ કહ્યું કે, ડોનનું ખાઈકે પાન બનારસ વાલા, જંજીરમાં યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી, પૂરબ ઔર પશ્ચિમ હોય કે, ધર્માત્માના ગીતો અમે ગીતો બનાવીએ ત્યારે તે દોઢ વર્ષે માર્કેટમાં આવવાના હોય તે ગણતરીએ તેને એડવાન્સ ટ્રેન્ડ વિચારીને બનાવતાં હતાં. જેથી ગીતમાં નોવેલ્ટી જ લાગે. નિર્માતા, નિર્દેશકોમાં પ્રકાશ મહેરા, મનમોહન દેસાઈ, ફિરોઝ ખાન, મનોજ કુમાર, ગુલશન રાય જેટલા સાથે કામ કર્યું.   તમામે અમને ફ્રી હેન્ડ આપ્યો.  સામાન્ય રીતે સસ્પેન્સ થ્રીલર કે મારધાડની ફિલ્મોમાં સંગીતને અવકાશ હોતો નથી, પરંતુ કલ્યાણજી-આણંદજીની આ સબજેક્ટમાં માસ્ટરી હતી. જોની મેરા નામ, ડોન, કાલીચરણ જેવી અનેક ફિલ્મોના ટાઈટલ ટ્રેક પણ અમર બન્યા છે અને ગીતોની સફળતા તો વળી અલગ છે.  ગાયકો વિશે તમારું શું મંતવ્ય છે ? તમને કોણ પ્રભાવિત કરી ગયા છે ? તે વિશે ઉત્તર આપતાં આણંદજીભાઈ કહે છે કે, મુકેશ, કિશોરકુમાર, મન્નાડે, મહંમદ રફી, મહેન્દ્ર કપૂર, લતાજી, આશાજી દરેકે અમારી સાથે શ્રેષ્ઠ કામ કર્યું છે.  દરેક ગીતોનો પોતાનો એક ટેગ હોય છે. દા.ત. `ગોપી'માં રામચંદ્ર કહ ગયે સિયાસેમાં અમે સૌરાષ્ટ્રની સંતવાણીની મુરકીનો તડકો લગાવ્યો હતો તે દિલીપકુમારને બહુ જ ગમ્યું હતું. તો `બ્લફમાસ્ટર'માં ગોવિંદા આલા રે...માં રફી સાહેબે મરાઠી મુરકીમાં ગાયું હતું અને આજે આ ગીત `દહીંહાંડી'નાં રાષ્ટ્રગીત જેવું સ્થાન ધરાવે છે. નવા ગાયકોના અભિપ્રાય વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે, જ્યારે દિગ્ગજો નિવૃત્ત થઇ રહ્યા હતા ત્યારે અમે (કલ્યાણજી આણંદજી) નવા ગાયકોને તાલીમબદ્ધ કર્યાં જેમાં અલ્કા યાજ્ઞિક, સોનાલી બાજપાઇ, સપના મુકરજી, સુનિધિ ચૌહાણ, કુમાર સાનુ સહિતના ગાયકોને તક પણ આપી, પરિણામે થયું એવું કે એક આખો યુગ આ નવોદિત ગાયકો સાચવી ગયા અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને તેનો લાભ થયો. તો અઝીઝ નાઝા જેવા કવ્વાલથી પણ બોલીવૂડ પરિચિત થયું. કચ્છ પ્રત્યેનો કેવો લગાવ ધરાવો છો ? તેવા પ્રશ્ને આણંદજીભાઇના અવાજમાં ગૌરવનો રણકો અનુભવાયો. તેમણે કહ્યું કે, અમે જૈન વેપારી પરિવારના છીએ, ભલે ફિલ્મ જગતમાં કારકિર્દી જમાવી પરંતુ કચ્છની માટીથી જોડાયેલા હોવાનું ગૌરવ છે. ભૂતકાળમાં દુષ્કાળ જેવા પ્રસંગે કિશોર કુમારનો ચેરિટી શો કરવાનું યાદગાર રહ્યું. અરે, વિશ્વમાં લાઇવ શો કેમ થાય તે પણ બોલીવૂડને કલ્યાણજી-આણંદજીએ શીખવ્યું તેમ કહી શકાય. આજે પણ કચ્છમાં અમને પૂરતો આદર-સત્કાર મળે છે. જૈન ધર્મી હોવાનાં કારણે સંપૂર્ણ વેજિટેરિયન ઉપરાંત ફિલ્મી સેલિબ્રિટી હોવા છતાં આજ દિવસ લગી શરાબથી દૂર રહ્યા હોવાનું અભિમાન લઇ?શકાય તેમ છે, જેને લઇને આયોજકો પણ અચંબિત થાય છે તેવું તેમણે ઉમેર્યું હતું. દર વરસે ચાતુર્માસ વખતે તેઓ પોતાના પૈતૃક ગામ કુંદરોડીમાં મહારાજ સાહેબ સાથે ચોમાસું ગાળે છે અને વતનની મોજ માણે છે. પોતાના ભાઇ કલ્યાણજીભાઇ સાથે 250 જેટલી ફિલ્મોમાં સંગીત નિર્દેશન કરીને રાષ્ટ્રીય-ફિલ્મફેયર એવોર્ડ, પ્લેટિનમ ડિસ્ક જેવા બહુમાન મેળવનારા આણંદજીભાઇ લાડુના શોખીન છે. તેઓ વિદેશમાં પણ શો માટે જાય ત્યારે તેમનાં પત્ની સાથે જ હોય છે અને લાડુનો સ્ટોક રાખતા હોય છે. તેમના હાથના લાડુ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ બહુ ભાવે છે. વિદેશમાં ઘણી વખત ખાનપાન યોગ્ય ન હોય ત્યારે લાડુ અને દૂધથી કામ પતી જાય છે તેવું તેમના સહધર્મચારિણી શાંતાબેને પણ ઉમેર્યું હતું. અંતમાં આણંદજીભાઇએ કચ્છની ક્ષેમકુશળતા બિરદાવતાં કહ્યું કે, સરકારની માર્ગદર્શિકાનો અમલ કરો અને સ્વસ્થ રહો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer