કચ્છના પાણી, ઘાસના પ્રશ્ને સંકલનમાં રજૂઆત

કચ્છના પાણી, ઘાસના પ્રશ્ને સંકલનમાં રજૂઆત
ભુજ, તા. 27 : રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની અધ્યક્ષતા હેઠળ આજે અહીં કલેકટર કચેરી, ભુજમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં  પ્રતિનિધિઓની રજૂઆત કેબિનેટમાં કરવા હૈયાધારણ આપી હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ લખપત તાલુકાના 11 ગામોને નિયમિત પાણી પહોંચાડવા રજૂઆત કરી હતી. તેમજ લખપત તાલુકા માટે અલગ વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી તેમજ નાસ્તા, ફરસાણના વેપારીઓ માટે 4 થી 6 વાગ્યા સુધીનો સમય કરવા તેમજ મજૂરોને કવોરેન્ટાઇનમાં રહેવાની ફ્રી સગવડ બાબતે ધ્યાન દોર્યું હતું.  ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે બન્નીમાં લુણા અને બિટારા ગામને પાણીની જરૂરિયાત અને સગવડ વિશે રજૂઆત કરી હતી તેમજ બન્ની ઘાસ પ્રોજેકટ માટે રૂા. 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ઈરિગેશન વિભાગે આ કામગીરી પૂરી કરવાની હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન કેબિનેટમાં લેવડાવવા વિનંતી કરી હતી. જ્યારે માંડવી ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ કોવિડ-19 હેઠળ ભચાઉ વોંધ કવોરેન્ટાઇન સેન્ટર સંદર્ભે રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે વાંઢિયા સબ કેનાલમાં ને. હાઈવે 8નું ક્રોસિંગ કરાવવા, ભચાઉ-ભુજ બ્રાન્ચનું કામ ગેસ પાઈપલાઈન ક્રોસ કરી આગળ ધપાવવા, ગાગોદર બ્રાન્ચ, આડેસર તળાવ ભરવા તથા ઘરાણાનું તળાવ રિપેર કરાવવા શ્રી જાડેજાએ ધ્યાન દોર્યું હતું. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ કોવિડ-19 બાબતની રજૂઆતના જવાબમાં કલેકટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નવી માર્ગદર્શિકા મુજબ હવે 10 દિવસ બાદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે તો તેને ડિસ્ચાર્જ કરી શકાય છે અને કન્ટેઈનમેન્ટ વિસ્તારનો ગાળો 14 દિવસનો હોય છે.  સાંસદે સૌને ઉકાળાની કિટ સાથે રોગપ્રતિરોધક ક્ષમતા વધારવાની પ્રાચીન આયુર્વેદની રીતનું પેમ્ફલેટ પણ સાથે વિતરીત કર્યુ હતું. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય ઈજનેર અશોક વનરાએ પણ પાણી વ્યવસ્થા માટે મશીનરી સંદર્ભે મંત્રીને રજૂઆત કરી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી  પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબિયા, અધિક નિવાસી કલેકટર કુલદીપાસિંહ ઝાલા, તાલીમી આઇ.એ.એસ. નિધિ શિવાચ, સીડીએચઓ ડો. પ્રેમકુમાર કન્નર, પૂર્વ કચ્છ ડી.વાય.એસ.પી. ડી.એસ.વાઘેલા, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર અશોક વનરા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર શ્રી પ્રજાપતિ   તેમજ સંબંધિત સર્વે પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer