છ વર્ષે નખત્રાણા બસમથકની હદ નક્કી

છ વર્ષે નખત્રાણા બસમથકની હદ નક્કી
નખત્રાણા, તા. 27 : છ વર્ષ અગાઉ વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન પામેલા અહીંના બસ સ્ટેન્ડને મુદ્દે એસ.ટી. તંત્ર સફાળું જાગ્યું હોય તેમ ફરતે લોખંડની મજબૂત ગ્રિલ (થાંભલા) લગાવી ફેન્સિં થતાં આખરે આ બસ સ્ટેશનનું પ્રિમાઇસીસ નક્કી થયું હોય તેવું લાગી રહ્યું છે. છ વર્ષ અગાઉ વાહનવ્યવહાર ખાતાના મંત્રી અને હાલના મુખ્યપ્રધાન શ્રી રૂપાણીના હાથે અધૂરા કામો સાથે ઉદ્ઘાટન પામેલા અને છ મહિનામાં જ અધૂરા કામો પૂરાં કરવાના વાયદા સાથે બસ સ્ટેશનનો પ્રારંભ થયો, પરંતુ છ?મહિના નહીં છ વર્ષ બાદ હંગામી ફેન્સિંગનું કામ હાલે ચાલુ છે. ચારે તરફથી ખુલ્લા અહીંના બસ સ્ટેશનના પ્રાંગણમાં ઠીક લાગે ત્યારે કોઇપણ સમયે દ્વિચક્રી, ફોર વ્હીલરો કોઇપણ વ્યક્તિ મોજ આવે ત્યારે પાર્કિંગ કરી જતા રહેતા ! એસ.ટી. તંત્ર-અધિકારીઓ વારંવાર અહીં વાહનો પાર્કિંગ નહીં કરવા વિનંતી કરતા હતા. પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા હતા તેમ છતાં બેરોકટોક પાર્કિંગ થતું હતું તે હવે બંધ થશે, તો રખડતા-ભટકતા ચોપગાં પણ આવતાં રોક લાગશે. ચારેતરફ ફેન્સિંગ લાગતાં હવે બસ સ્ટેશનના પ્રવેશ માટે એક જ જગા રાખવામાં આવી છે. બસ-પ્રવાસીઓ આ એક જ ગેટમાંથી બસ સ્ટેશનમાં દાખલ થશે તેમજ બહાર નીકળી શકશે. તો સાથે મુખ્ય પ્રવેશદ્વારે ચોકીદાર પણ બેસાડવામાં આવતાં કામ વગરના લોકોને માસ્ક વગર બસ સ્ટેશનમાં પ્રવેશ નહીં આપવામાં આવે, તો વાહન પણ અંદર જઇ નહીં શકે. એસ.ટી. ડેપો મેનેજર એચ. આર. સામરાએ કહ્યું હતું કે, હાલે નખત્રાણાથી ભુજ બસોના રૂટ શરૂ કર્યા છે તેમજ નખત્રાણાથી રાજકોટ સવારે 9.30 કલાકે બસ શરૂ કરી છે. દરેક પ્રવાસીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સેનિટાઇઝ કરી થર્મલ ટેસ્ટ સાથે બસમાં બેસાડવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer