પવનચક્કી માટે ડેમ-તળાવની આવ તોડી રસ્તો કાઢતાં સ્થાનિકોમાં રોષ

પવનચક્કી માટે ડેમ-તળાવની આવ તોડી રસ્તો કાઢતાં સ્થાનિકોમાં રોષ
માતાના મઢ (તા. લખપત), તા. 27 : પવનચક્કીની કંપનીને લોકડાઉનમાં કામ કરવાની છૂટ મળતાં પહેલું કામ અહીંના પિયત ડેમ અને દોલતપર હાઇવે પર આવેલા તળાવની આવ તોડીને વચ્ચેથી રસ્તો બનાવી નાખતાં ગ્રામજનો અને માલધારીઓમાં નારાજગી સાથે રોષ પ્રવર્તી રહ્યો છે.માતાના મઢના સીમાડામાં આવેલા નાની સિંચાઇ વિભાગના પિયત ડેમની પાળ તોડી ડેમની વચ્ચેથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આજે પણ રોડ ઉપર મેટલ પાથરવાનું કામ ચાલુ છે. ગેરકાયદે જણાતા આ રસ્તામાં અસંખ્ય લીલી ઝાડીનું નિકંદન કાઢવામાં આવ્યું છે. અંદાજે 25 ફૂટ લંબાઇ તેમજ દસ ફૂટ ઊંચાઇ ધરાવતી ડેમની પાળ તોડી પાડવામાં આવી છે. ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે. હવે આ ડેમ જોખમી બન્યો છે. આ ડેમનું પાણી સીધું બીજા બે ડેમમાં જાશે અને તે પણ જોખમાશે તેવો ભય અહીંના પશુપાલકો, ખેડૂતો જણાવી    રહ્યા છે.મા. મઢના ખેડૂત રામજીભાઇ બાંભડિયાએ જણાવ્યું હતું કે, પવનચક્કી કંપની દ્વારા અહીં બેરોકટોક ગેરકાયદેસર રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ ડેમની પાળ તોડી નખાતાં મોટું જોખમ વધશે તે નક્કી છે તેવું તેમણે જણાવ્યું હતું.ઉપરાંત મઢથી ચાર કિ.મી. અંતરે આવેલું આ તળાવ મા. મઢના ધનિક જટાશંકર જોષીએ તેમના દાદાજીનાં નામ પર એંસી વર્ષ પહેલાં જાદવજી જોષીનાં નામે જાદુરા તળાવ બંધાવ્યું હતું. આજ પણ આ તળાવ પશુ-પંખીઓ માટે બહુ જ ઉપયોગી છે. મા. મઢ તેમજ આશલડીના માલધારીઓ પોતાની ગાયો, ભેંસો અહીં આ તળાવમાં પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે. આ તળાવ જ્યારે પણ ઓગનાય છે ત્યારે બારે માસ પાણી ખૂટતું નથી. હવે આશલડીની સીમમાં પવનચક્કીનું કામ ચાલુ થતાં આ તળાવની બાજુમાંથી કંપની દ્વારા રસ્તો બની રહ્યો છે. હવે આ તળાવની આવ આ રસ્તાની વચ્ચે આવતા તેનું પુરાણ કરવામાં આવતાં  હવે આ તળાવમાં ટીપું વરસાદી પાણી આવશે નહીં, એવું સ્પષ્ટપણે લોકો જણાવી રહ્યા છે. ગેરકાયદેસર ચાલતા આ કામની હકીકત દયાપર ડેપ્યુટી કલેક્ટર શ્રી જેતાવતને જણાવતાં તેમણે તપાસના આદેશ આપ્યા છે અને દયાપર રેવેન્યૂ સર્કલ શ્રી ચૌધરીએ સ્થળની મુલાકાત લઈને પંચનામું કરાશે તેવી હૈયાધારણ માલધારીઓને આપી છે. પણ આ કંપનીનું ગેરકાયદેસર રોડનું કામ અવિરત ચાલુ છે. રેવેન્યૂ, સિંચાઈ વિભાગ તેમજ મા. મઢ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પરવાનગી, એન.ઓ.સી. હજી સુધી અપાઈ નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer