મુંબઈમાં કચ્છી રાજગોર સમાજના જરૂરતમંદ પરિવારોને દોઢ મહિનાથી મદદ

મુંબઈમાં કચ્છી રાજગોર સમાજના જરૂરતમંદ પરિવારોને દોઢ મહિનાથી મદદ
ભુજ, તા. 27 : મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટવાનું નામ નથી લેતી. આ ટાંકણે કચ્છી રાજગોર સમાજની બહોળી વસ્તીમાં બે એવા કોરોના યોદ્ધા જે એક લક્ષ્મીપતિ અને બીજા નિષ્ઠાવાન સેવક. આ બંને પોતીકા વાહનમાં રાશનકિટ અને રોકડ અર્પણ કરી મદદરૂપ બની રહ્યા છે. મૂળ અબડાસા તાલુકાના સુથરીના અને વર્ષોથી મલાડ પરા વિસ્તારમાં ગેસ એજન્સી ધરાવતા યુવા શ્રેષ્ઠી મૂલેશભાઈ લાભશંકર ઉગાણી અને તેમના મિત્ર સોનુભાઈ જેઠાલાલ ઉગાણી બંને જણ મુંબઈમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારથી સવારે સાત વાગ્યાથી રાત્રે એકાદ વાગ્યા સુધી પોતાનું ટિફિન પોતાનાં વાહનમાં રાખીને રાજગોર સમાજના જરૂરિયાતમંદ પરિવારોને રાશનકિટ, રોકડ રકમ, દવા-પાણી, દૂધ, શાકભાજી સહિતની વીસેક સામગ્રી સહિતની મદદ પહોંચાડી રહ્યા છે. મુંબઈથી કચ્છમિત્ર સાથે ટેલિફોનિક વાતચીતમાં દાતા મૂલેશભાઈએ જણાવ્યું કે, લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં આખાય મુંબઈના પરા વિસ્તારના સમાજનાં વિવિધ મંડળો આવેલાં છે, પરંતુ સંકટના સમયે જેટલા જોઈએ તેટલા સક્રિય ન થતાં મનોમન વિચાર આવ્યો કે આ મંડળોના પ્રતિનિધિઓના સહકારથી વિવિધ પરામાં રહેતા સમાજના ભાઈ-બહેનો જે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેની નામાવલી   મગાવીને તેમને મદદરૂપ થવું એ આપણી ફરજમાંઆવે છે. ઈશ્વરની આર્થિક કૃપા છે. મુલુંડમાં રહેતા સોનુભાઈ ઉગાણીનો સહયોગ મળી રહ્યો છે. અમે બંને ઈનોવા કાર અને ગેસ એજન્સીના માલવાહક વાહન સાથે સરકારની પરવાનગી લઈને કોરોના રક્ષણકિટ અને સુરક્ષાનાં સાધનથી સજ્જ થઈ વિવિધ વિસ્તારમાં વસતા સમાજબંધુઓની સેવામાં સક્રિય યોગદાન આપવા નીકળી પડીએ છીએ. ફોટો સેશન કે વીડિયો શૂટિંગ જેવું કોઈ પણ કામ કરતા નથી. એટલું જ નહીં પણ જરૂરિયાતમંદોની નામાવલિ પણ ક્યાંય પ્રસિદ્ધ કરવામાં આવતી નથી.મૂલેશભાઈએ અત્યાર સુધી દસેક લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને કામગીરી ચાલુ રાખવાની નેમ પણ ધરાવી  રહ્યા છે. પોતાની મલાડ સ્થિત ઓફિસ પર ગરીબ-નબળા વર્ગના લોકોને અમૂલ દૂધની થેલીનું પણ વિતરણ કરી રહ્યા છે. આ કામગીરીને અખિલ કચ્છી રાજગોર મહાસભાના પ્રમુખ પ્રકાશ પેથાણીએ બિરદાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer