ગુજરાતમાં કોરોનાના સંશોધનની સંભાવના

ગુજરાતમાં કોરોનાના સંશોધનની સંભાવના
ભુજ, તા. 27 : જેમના મંતવ્યની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે તેવા તબીબી વિજ્ઞાન (ક્લિનિકલ) અને પેથોલોજી ઓટોપ્સીના તજજ્ઞો ડો. ડી.એન. લાન્જેવારે જણાવે છે કે, ગુજરાતમાં કોરોનાના કારણ અને મારણ ઉપર સંશોધનની વ્યાપક સંભાવના રહેલી છે. કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહોનું શબ પરીક્ષણ (ઓટોપ્સી) કરવા ઉપર અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના વડા તથા પ્રો. ડો.લાન્જેવારે ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના રોગચાળાના લક્ષણ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે બદલાતા હોવાથી ગુજરાતે ઓટોપ્સી સંશોધન અધ્યયન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ડો. ડી. એન. લાન્જેવારે મુંબઈની ગ્રાન્ડ મેડિકલ કોલેજ અને જે. જે. હોસ્પિટલમાં 22 વર્ષ ક્લિનિકલ એક્સપર્ટ તરીકે કામ કર્યું છે જ્યાં તેમણે એઈડ્સના 236 દર્દીઓની ક્લિનિકલ ઓટોપ્સી કરી હતી. ફળસ્વરૂપે એઈડ્સના દર્દીઓને રાહત થાય તેવી શોધ માટે માર્ગ પ્રશસ્ત થયો હતો. પરિણામે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. નિવૃત્ત થયા બાદ હાલે અદાણી મેડિકલ કોલેજ ભુજના પેથોલોજી વિભાગના વડા છે. તેમણે કહ્યું કે, ક્લિનિકલ ઓટોપ્સીનો મુખ્ય હેતુ રોગનું કારણ-મારણ શોધવાનું હોય છે. કોવિડ-19 પણ નવો રોગ છે. ઓટોપ્સી કરવાથી શરીરના કયા અંગને વાયરસ કેવી રીતે ભરડો લે છે અને તેને નાથવા શું ઉપાય કરી શકાય તે આ સંશોધનથી જાણવા મળે છે. તાજેતરમાં ઓટોપ્સીથી જ ઈબોલા વાયરસ ઉપર સંશોધન થયા હતા અને નોંધપાત્ર પરિણામ હાંસલ થયા છે. ગુજરાતમાં કેસ વધવાને કારણે સંશોધનને મોટો અવકાશ છે. ગુજરાત સરકારે આ દિશામાં પહેલ કરી છે. અત્યારે કોરોના સંબંધિત ચીન, અમેરિકા, બ્રિટન, જર્મની, ઈટાલી વગેરે દેશોએ કરેલા સંશોધન અંગેનું સાહિત્ય ઉપલબ્ધ છે જેની મદદથી પણ સંશોધન થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે કોરોનાનો પ્રહાર ફેફસાં ઉપર થાય છે. તેમ છતાં જો ઓટોપ્સી કરવામાં આવે તો ફેફસાં સિવાયના કયા અંગને અસર કરે છે તે બાબતે ચોક્કસપણે દિશાનિર્દેશ પ્રાપ્ત થઈ શકે છે. પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સીનો તફાવત દર્શાવતાં કહ્યું કે, બન્નેમાં મૃતદેહની મૃત્યોત્તર શત્રક્રિયા કરવામાં આવે છે, પરંતુ ક્લિનિકલ અને પેથોલોજી ઓટોપ્સી દ્વારા મૃત્યુ પામનારના મરણનું કારણ જાણીને સંશોધન કરી શકાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer