અંજાર-ગાંધીધામમાં ચોમાસાની પૂર્વ તૈયારી અર્થે વિવિધ તંત્રોની બેઠક

અંજાર-ગાંધીધામમાં ચોમાસાની પૂર્વ તૈયારી અર્થે વિવિધ તંત્રોની બેઠક
ગાંધીધામ, તા. 27 : આગામી વરસાદને ધ્યાને લઈ અંજાર પ્રાંત કચેરી ખાતે જુદા-જુદા તંત્રોની સંયુકત  પ્રી- મોનસૂન કામગીરી  સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાં  અંજાર-ગાંધીધામમાં વરસાદી નાળાઓ,ગટરોની સફાઈ, રસ્તાઓ ઉપર પાણીના વહેણ આગળ ચેતવણી સૂચક  બોર્ડ મૂકવા સહિતના મુદે સૂચના અપાઈ હતી. અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે. જોષીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અંજાર અને ગાંધીધામની નગરપાલિકાઓને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા વરસાદી નાળાઓ અને ગટરની સફાઈ કરવા, વરસાદી વહેણમાં પાણી અવરોધાય નહી તે દિશામાં કામ કરવા તથા ગ્રામ્ય વિસ્તાર માટે ટી.ડી.ઓ.ને સૂચના અપાઈ હતી. તેમજ વીજતંત્રને વીજલાઈનો સમારકામ સહિતના કામો ઝડપભેર પૂર્ણ કરવા, વનતંત્ર અને  માર્ગ અને મકાન વિભાગે  પરસ્પર સંકલન સાધી ભારે પવનના કિસ્સામાં જો  કોઈ વૃક્ષો ધરાશાયી થાય તો તેને માર્ગ પરથી હટાવી પુન: વાહન વ્યવહાર પૂર્વવત રહે તે  મુજબ આયોજન કરવા કહેવાયું હતું. જે માર્ગે ઉપર વરસાદી પાણીના વહેણ પસાર થાય તે જગ્યાએ વાહન ચાલકોને પાણીના ઉંડાણની પૂરતી માહિતી મળી રહે તે માટે જરૂરી  સાઈન બોર્ડ મૂકવા આર.એન્ડ.બી.ની સૂચના અપાઈ હતી. નેશનલ હાઈવે ઉપર ચાલતા કોઈ કામમાં  પાણી અવરોધાય તે મુજબ કામ કરનાર એજન્સીઓને જણાવા વિગતો અપાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer