આદિપુરમાં તબીબી સ્ટાફે સામાજિક અંતર ન જાળવી પાર્ટી કરી હોવાનો આક્ષેપ

આદિપુરમાં તબીબી સ્ટાફે સામાજિક અંતર ન જાળવી પાર્ટી કરી હોવાનો આક્ષેપ
ગાંધીધામ, તા. 27 : કોરોના વાયરસના સંક્રમણને ડામવા માટે છેલ્લા અઢી મહિનાથી સામાજિક અંતર જાળવવા  સલાહ આપવામાં આવે છે અને તેનાથી જ વાયરસથી બચી શકીએ છીએ પરંતુ આ સલાહ આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલના અધિકારીઓને  ગળે ઊતરતી ન હોય તેમ પાર્ટીઓના આયોજન કરાઈ રહ્યા છે. આજે તો પોઝિટિવ દર્દીઓની સારવાર કરનારા સ્ટાફ સાથે પાર્ટી કરી હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. આધારભૂત વર્તુળો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આજે આદિપુરની હરિઓમ કોવિડ હોસ્પિટલમાં સાત દિવસ સુધી ફરજ બજાવનારા સ્ટાફના માનમાં  પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં હોસ્પિટલના તમામ અધિકારીઓ જોડાયા હતા. પાર્ટી દરમ્યાન સામાજિક અંતરના નિયમનો ખુદ તબીબેએ જ છેદ ઉડાડી  દીધો હતો. આ કર્મચારીઓ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સારવાર કરીને આવ્યા હતા. તે તમામ સ્ટાફે પણ સામાજિક અંતર જાળવ્યું ન હોવાનું નજરે જોનારાઓએ જણાવ્યું હતું. આ પૈકી કોઈ એક સ્ટાફને પણ જો  કોરોના પોઝિટિવ કેસ હોવાનું બહાર આવશે તો પૂર્વ કચ્છની એક માત્ર રામબાગ હોસ્પિટલ  બંધ કરવાની નોબત આવે તેવી દહેશત જાણકારો વ્યકત કરી રહ્યા છે. ચાર દિવસમાં ત્રીજી પાર્ટીનું આયોજન કરાયું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જે પૈકી એક પાર્ટીમાં તો નાસ્તાના મામલે બબાલ પણ થઈ હતી. હાલ  કેન્દ્ર અને રાજ્ય સરકાર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકો કરી રહી છે ત્યારે તબીબો આ રીતે પાર્ટી કરી રહ્યા છે તે કેટલે અંશે યોગ્ય તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે.  દરમ્યાન આ અંગે  રામબાગ હોસ્પિટલના અધીક્ષક ડો. શ્રીવાસ્તવનો સંપર્ક સાધતાં તેમણે કોરોના વોરિયર તરીકે કામ કરતા કર્મચારીઓને ફૂલ આપી બિરદાવ્યા હતા અને આ દરમ્યાન સામાજિક અંતરનું પાલન કરાયું હોવાનું જણાવી અવારનવાર થતી પાર્ટીની વાતને નકારી હતી. હોસ્પિટલના સ્ટાફ સામે ઈરાદાપૂર્વક આ પ્રકારની ફરિયાદો કરાતી હોવાનું તેમણે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer