કચ્છમાં કોરોનાથી બીજું મૃત્યુ : પોઝિટિવ જાહેર થયા ને રાત્રે મોત

ભુજ, તા. 27 : આજે દરશડીના બાવન વર્ષીય પ્રૌઢ અને સાંધાણના 30 વર્ષીય યુવાનનાં કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેમાં દરશડીના પ્રૌઢનું મૃત્યુ થતાં કચ્છ જિલ્લામાં કોરોનાએ બીજી વ્યક્તિનો ભોગ લીધો છે. કોરોનાના લીધે મૃત્યુ પામેલા 52 વર્ષીય ઇશ્વરલાલ ડાયાલાલ પટેલ 12મી મેના ઘાટકોપરથી દરશડી આવ્યા બાદ હોમ કવોરેન્ટાઇન હતા. ગઇકાલે રાત્રે તેમની તબિયત બગડતાં સ્થાનિકે સારવાર લીધા બાદ રાત્રે 1 વાગ્યે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેના કોરોનાના સેમ્પલ લેવાયા હતા અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હતભાગી ઇશ્વરલાલની આજે બપોર બાદ તબિયત વધુ લથડતાં સાંજે 4 વાગ્યે તેમને વેન્ટિલેટર પર રખાયા હતા અને રાત્રે 9.30 વાગ્યે તેમણે હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવીને ઉમેર્યું હતું કે, ઇશ્વરલાલ ડાયાબિટીસથી પણ પીડાતા હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કોરોનાના લીધે ગત 15મી એપ્રિલના માધાપરના 62 વર્ષીય જગદીશ સોનીનું મોત થયા બાદ આજે વધુ એક મોતનો ઉમેરો થયો છે. દરમ્યાન, ગઈકાલે માંડવી અને મુંદરા તાલુકાની બે વ્યક્તિના કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ બે કેસ પોઝિટિવ આવ્યા હતા. આમ જિલ્લામાં બે મૃત્યુ અને કુલ પોઝિટિવ આંક વધી 68 થયો છે. તો સામે રાહતરૂપ સમાચારમાં આદિપુરની હરિૐ હોસ્પિટલમાંથી 7 અને મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાંથી બે પોઝિટિવ દર્દી કોરાનાને મહાત આપી સ્વસ્થ થતાં ઘેર પહોંચ્યા હતા. અબડાસા તાલુકાના સાંધાણનો 30 વર્ષીય યુવાન જી.કે. જનરલમાં સારવાર લઈ રહ્યો છે. જેની હિસ્ટ્રી મુંબઈથી આવ્યો હોવાની પ્રાપ્ત થઈ છે. કચ્છ જિલ્લા તંત્ર દ્વારા ગઈકાલ સાંજે છથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 5886 વ્યક્તિઓનું ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 236191 લોકોનું ક્રીનીંગ કરાયું છે. કુલ 18270 લોકો કવોરેન્ટાઈન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર કચ્છ તેમજ આપત્તિવ્યવસ્થાપન શાખાના જણાવ્યા મુજબ કચ્છમાં કોરોના વાયરસના પગલે કુલ 18,270 લોકોને કવોરેન્ટાઈન હેઠળ રખાયા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 2213 જેટલા વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈનકરાયા છે. કુલ 18270માંથી 16057 વ્યક્તિઓને ઘરમાં કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. કુલ 31,360 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા હતા., જેમાંથી 15,303 વ્યક્તિઓએ 14 દિવસનો કવોરેન્ટાઈન પિરિયડ પૂર્ણ કર્યા છે.304 જેટલા ઓઈસોલેસન વોર્ડમાં કુલ્લ 205 શંકાસ્પદ વ્યક્તિઓ દાખલ કરાઈ તેમાંથી અત્યાર સુધક્ષ 154ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 2313 ઈન્સ્ટીટયૂશનલ કવોરોન્ટાઈન વ્યવસ્થા છે. જેમાં 2531 રખાયા જે પૈકી 203 મુક્ત કરાયા છે. હાલમાં 2213 વ્યક્તિઓ કવોરેન્ટાઈનમાં છે. દરમ્યાન જિલ્લા વહીવટી તંત્રની યાદી મુજબ હાલમાં 44 એક્ટિવ પોઝિટિવ કેસ છે. જ્યારે 127 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. 50 દર્દીઓ દાખલ છે. અત્યાર સુધી કુલ્લ 2350 જેટલા શંકાસ્પદ કેસના સેમ્પલ લેવાયા છે. તેમાંથી અત્યાર સુધી કુલ 2150ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.સાંધાણના યુવાન સામે સંસ્થાકીય ક્વોરેન્ટાઈન ન થવા સંબંધી કોઠારા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer