વોંધ પાસે વાહન હડફેટે બે યુવાનોનાં મોત

ગાંધીધામતા. 27 : ભચાઉ અને સામખિયાળી વચ્ચે વોંધ નજીક રામદેવપીર ઓવર બ્રિજ ઉપર અજાણ્યા વાહનની હડફેટે ચડતાં બાઇક પર સવાર અશ્વિન અશોક દેવીપૂજક અને અજય ઉર્ફે ભાનુ લીભુ દેવીપૂજક નામના યુવાનોનાં મોત થયાં હતાં. બીજી બાજુ અંજારના સિનુગ્રામાં નિકુંદ બચુ અવાડિયા (ઉ.વ. 20) નામના યુવાને ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સામખિયાળીના મહેસાણા નગરમાં રહેતા પિતરાઇ ભાઇઓ એવા અજય અને અશ્વિન મૂળ મોરબીના છે. ડુંગળી વેચવાનો વ્યવસાય કરતા આ યુવાનો  પોતાના પરિવાર સાથે છેલ્લા કેટલાક સમયથી અહીં સામખિયાળી રહેતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાનો બોલેરો ગાડીમાં ડુંગળી ભરી જુદા-જુદા ગામોમાં જઇ વેપાર કરતા હતા,  પરંતુ તેમનું વાહન બગડી જતાં ભચાઉ ખાતે રિપેરિંગમાં  મૂકયું હતું. આ બંને હતભાગી યુવાનો આજે સવારે બાઇક નંબર જી.જે. 12-ડી.ઇ. 9436 લઇને ભચાઉ ખાતે રિપેરિંગમાં મૂકેલું પોતાનું વાહન જોવા આવી રહ્યા હતા તે દરમ્યાન વોંધ નજીક રામદેવપીર ઓવર બ્રિજ ઉપર તેમને અકસ્માત નડયો હતો. પૂરપાટ આવતા કોઇ અજાણ્યા વાહને આ બાઇકને હડફેટમાં લેતાં અજયને ગંભીર ઇજાઓઁ પહોંચતાં બનાવ સ્થળે જ તેનું મોત થયું હતું, જ્યારે અશ્વિનને વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાતો હતો ત્યારે તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલકને શેધી કાઢવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.નાસી જનારા આ વાહનચાલક વિરુદ્ધ દેવા બાબુ દેવીપૂજક (કુંડિયા)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ સિનુગ્રામાં રહેનારા નિકુંદ અવાડિયા નામના યુવાને આજે સવારે 11-30 પહેલાં અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેણે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer