ભુજ-ગાંધીધામમાં રેલવેનું રિફંડ શરૂ

ગાંધીધામ, તા. 27 : દેશ વ્યાપી લોકડાઉન અંતર્ગત દેશભરનો રેલવે વ્યવહાર માર્ચ મહિનાથી જ  ઠપ છે અને હજુ પણ આગામી 30 જૂન સુધી તમામ ટ્રેનો રદ કરવામાં આવી  છે.  ત્યારે રદ કરાયેલી ટ્રેનોની ટિકિટનું રિફંડ આપવાનું શરૂ કરાયું છે. કચ્છમાં પણ રિફંડનો આંક કરોડોમાં હશે ત્યારે તેના ચૂકવણા માટે રેલવે પ્રશાસન દ્વારા ભુજ અને ગાંધીધામ ખાતે ચૂકવણીની કામગીરી આરંભી દેવાઈ છે. અત્યાર સુધી 35 લાખ જેટલી રકમ પ્રવાસીઓને ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રેલવે દ્વારા પ્ર્રથમ સ્પેશ્યલ ટ્રેનોના રિઝર્વેશન માટે બુકિંગ શરૂ કર્યા બાદ 25 તારીખની રિફંડ આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. પ્રવાસીઓ પ્રવાસની તારીખથી 180 દિવસ સુધી 100 ટકા વળતર મેળવી શકશે. હાલ ગાંધીધામ અને ભુજ ખાતે સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે રિફંડ ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી કામગીરી ચાલુ રહે છે. આ દરમ્યાન  ગાંધીધામમાં પ્રતિદિન 500 અને ભુજમાં 300 સહિત દરરોજના 800 પ્રવાસીઓને ટિકિટનૃં વળતર ચૂકવાય તેવી વ્યવસ્થા કરાઈ છે.  તમામ પ્રવાસીઓને  ટોકન આપી દેવામાં આવે છે અને તે મુજબ  પ્રવાસીઓને  એક કે બે કલાક બાદ આવવા જણાવાય છે. જેના કારણે કાઉન્ટર ઉપર ભીડ એકત્ર થતી નથી. પ્રતિદિન 10 લાખનું રિફંડ આપવામાં આવે છે. એ પ્રમાણે ભુજ અને  ગાંધીધામ રેલવે સ્ટેશને અંદાજે ત્રણ દિવસમાં 30થી 35 લાખનું રિફંડ કરાયું હોવાનૃં રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત જે લોકોને સ્ટેશન ઉપર ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હશે તેમને રકમ સીધી ખાતામાં જમા થઈ હશે. જે રકમ પણ અંદાજે 30થી 35 હજાર જેટલી ત્રણ દિવસમાં જમા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer