ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે

નવી દિલ્હી, તા.27: કોરોના વાયરસને લીધે માર્ચથી ક્રિકેટ બંધ છે. આ પછી પહેલીવાર ભારતીય ચાહકો માટે સારી ખબર આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે ભારત વિરૂધ્ધની ચાર ટેસ્ટની શ્રેણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે.અલબત્ત, આઈસીસી અને બીસીસીઆઈ હવે બહાલી આપશે. બન્ને દેશ વચ્ચે આ વર્ષના ડિસેમ્બરથી લઇને આવતા વર્ષના જાન્યુઆરી માસ દરમિયાન ચાર ટેસ્ટની શ્રેણી રમાશે. જેમાં ખાસ વાત એ બની રહેશે કે ભારતીય ટીમ પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. છેલ્લે 2018ની ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી 2-1થી હાર આપી હતી. ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમ અનુસાર ટીમ ઇન્ડિયા પર્થમાં રમશે નહીં. ગત પ્રવાસમાં અહીં કોહલીની ટીમ હારી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ અનુસાર પહેલી ટેસ્ટ મેચ ત્રણ ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે. બીજી ટેસ્ટ તા. 11 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.જે ગુલાબી દડાથી ડે-નાઇટમાં રમાશે. ટીમ ઇન્ડિયા આ સાથે વિદેશમાં તેની પહેલી રાત્રી-પ્રકાશ ટેસ્ટ મેચ રમશે. ત્રીજી ટેસ્ટ બોક્સિંગ ડે ટેસ્ટ હશે. જે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૂ થશે. સિરીઝની ચોથી અને આખરી ટેસ્ટ તા. 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer