શેખરાનપીર પાસેથી વધુ એક ચરસ જેવું શંકાસ્પદ પેકેટ મળ્યું

ભુજ, તા. 27 : એકાદ સપ્તાહ પૂર્વે શેખરાનપીર ટાપુ વિસ્તારમાંથી 16 પેકેટ ચરસના પોલીસને મળી આવ્યા હતા. ત્યારે આજે ફરી આ જ વિસ્તારમાં બીએસએફની 172 બટાલિયનને પેટ્રોલિંગ દરમ્યાન આવું જ એક ચરસ જેવું શંકાસ્પદ પેકેટ મળી આવ્યું છે. આ  ચરસ જ છે કે નહીં તે એફએસએલના રિપોર્ટ બાદ જાણવા મળશે. સીમા સુરક્ષાદળની 172 બટાલિયન આજે બોટ દ્વારા પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે 12.30 વાગ્યે શેખરાનપીર નજીક સાંઘી સિમેન્ટ સામેના ક્રીક વિસ્તારમાંના મોટાપીરના કાંઠેથી `લાગોન્ડા એસ્પ્રેસો' કોફીનું પેકેટ નજરે ચડયું હતું. સપ્તાહ પૂર્વે જ શેખરાન પીરમાં આવા જ પેકિંગમાં 16 જેટલા ચરસના પેકેટ્સ મળ્યા હતા. જેથી આ પેકેટ પણ તે જ જથ્થાનું હોઈ તણાઈ આવ્યાનું અનુમાન છે. બિનવારસુ હાલતમાં ચરસ જેવું લાગતું આ પેકેટ બીએસએફે વાયોર પોલીસને સુપરત કર્યું છે.આ પેકેટને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલાશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ચરસ જ છે કે નહીં. અત્રે ઉલ્લખનીય છે કે અગાઉ મળેલા ચરસનું પણ પેકિંગ આવું જ હતું, જેથી આ પણ તે જ વધુ એક પેકેટ તણાઈને મોટાપીરના કાંઠે પહોંચ્યો હોવાનું અનુમાન છે. સપ્તાહ પૂર્વે મળેલા 16 પેકેટ ચરસના જથ્થાની તપાસ સ્થાનિક ગુનાશોધક શાખા ચલાવી રહી છે આથી આ કેસ પણ તેના સંબંધિત ગણીને નવો કેસ દાખલ કરાયો નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer