લખપતની સીમમાં મહિલા ઉપર હુમલો કરી દાગીનાની લૂંટ !

ગાંધીધામ, તા. 27 : ભચાઉ તાલુકાના લખપત ગામની સીમમાં આવેલી એક વાડીમાં મહિલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી એક શખ્સ દાગીનાની લૂંટ કરી નાસી ગયો હતો. લખપતની સીમમાં મૂળજી વાલા પટેલની વાડી આવેલી છે.આ વાડીમાં પ્રભુ કોળી, તેમના પત્ની લક્ષ્મીબેન અને સંતાનો રહે છે. વાડીમાં મજૂરી કરનારો આ યુવાન ગઈ કાલે સાંજે વાડીના બીજા મકાને હતો, જ્યારે આ વાડીના મકાન ઉપર તેના પત્ની લક્ષ્મીબેન એકલા હતાં. આ મહિલા સમીસાંજે જમવાનું બનાવી રહી હતી ત્યારે  ત્યાં 25થી 30 વર્ષીય એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. કાળા રંગનું શર્ટ પહેરેલા તથા માથે લાલ રંગની સાલ બાંધેલા આ અજાણ્યા શખ્સે ગુજરાતી ભાષામાં આ વાડીવાળા ક્યાં છે તેમ પૂછી મહિલા કાંઈ જવાબ આપે તે પહેલાં તેના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.આ હુમલાથી મહિલા ત્યાં જ ઢળી પડી હતી. આ લૂંટારુએ મહિલાના બન્ને કાનમાંથી સોનાના કાંપ ખેંચી લીધા હતા. રૂા. 15,000ના આ દાગીનાની લૂંટ કરી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. લૂંટના બનાવમાં દાગીના ખેંચવા જતાં મહિલાના બન્ને કાનની બૂટી ચીરાઈ ગઈ હતી.ગંભીર રીતે ઘવાયેલી આ મહિલાને પ્રથમ ભચાઉ અને વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલે લઈ જવાયા હતા. લૂંટના આ બનાવથી સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer