ગાંધીધામનો 10 લાખનો વાહનચોરીનો બનાવ પાંચ મહિને પોલીસ ચોપડે

ગાંધીધામ, તા., 27 : શહેરના કાર્ગો પી.એસ.એલ.ના મેદાનમાં પાર્ક કરાયેલા રૂા. 10 લાખના ટ્રેઈલરની કોઈ શખ્સોએ ચોરી કરી હતી. મેઘપર બોરીચી લીલાશાહ કુટીયા પાસે ભાગ્યશ્રી સોસાયટીમાં રહેતાં હિતેશ અંબિકા શર્માએ ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ટ્રેઈલર નંબર જી.જે. 12 બીટી -0773વાળું લઈને કંડલા કોલસો ભરવા જઈ રહ્યો હતો. તે દરમ્યાન કાસેઝ નજીક વળાંક પાસે પહોંચતાં તેના શેઠ જીતેશ ગુપ્તાનો તેને ફોન આવ્યો હતો અને વરધી રદ થઈ હોવાથી તું આ ટ્રેઈલર કાર્ગો પી.એસ.એલ.ના મેદાનમાં પાર્ક કરી નાખ તેવું જણાવ્યું હતું. આ ફરિયાદી યુવાન ટ્રેઈલરને મેદાનમાં લઈ જઈ ત્યાં પાર્ક કરી આવ્યો હતો. બીજા દિવસે સવારે તે ટ્રેઈલર લેવા જતાં ત્યાંથી આ વાહન ગુમ જણાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ વાહનને ગમે તે રીતે નિશાચરોએ ચાલુ કરી તેની તફડંચી કરી હતી. પ્રજાસત્તાક દિવસની રાત્રે બનેલો આ બનાવ ગઈકાલે રાત્રે પોલીસના ચોપડે ચડતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer