ખાવડામાં નશાયુક્ત હાલતના ઉચ્ચારણો બાદ બે યુવાનની કરાઇ ધરપકડ

ભુજ, તા. 27 : તાલુકાના સીમાવર્તી મથક ખાવડા ખાતે નશાયુકત હાલતમાં પકડાયેલા  બે યુવાને તેની આ હાલત વચ્ચે કરેલા શાબ્દિક ઉચ્ચારણો એક મહિલા પોલીસ કર્મચારીને કાને પડવાનો મામલો બહાર આવ્યા બાદ પોલીસે બંને યુવકને પકડી તેમની સામે કેફી પીણું પીવાનો ગુનો દાખલ કર્યો હતો. ખાવડાની ભાગોળે ત્રણ રસ્તા ખાતેથી પગપાળા આવી રહેલી મહિલા પોલીસ કર્મચારીને  યુવાનના ઉચ્ચારણો સંભળાયા બાદ તેણે પોલીસ મથકે જઇને અધિકારીને વાત કરી હતી. આ પછી ખાવડા પોલીસે બંને યુવાનને પકડી તેની સામે દારૂ પીવા વિશેનો કેસ દાખલ કર્યો હતો. દરમ્યાન આ બાબતે ખાવડા પોલીસનો સંપર્ક કરતાં આ પ્રકરણમાં હસન હાજી ઉમર અને સાદિક અકબરને પકડી તેની સામે કેફી પીણું પીવાનો ગુનો દાખલ કરી તેનું વાહન ડિટેઇન કરાયું હોવાની વિગતો અપાઇ હતી. આરોપીઓ પૈકીનો એક જણ ખાવડાના સરપંચનો પુત્ર હોવાની વિગતો પણ જાણવા મળી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer