માંડવીમાં કચ્છનું બીજું કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવા સૈદ્ધાંતિક સ્વીકાર

ભુજ, તા. 27 : સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે કેબિનેટ બેઠકમાં કચ્છની રજૂઆત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છમાં ઉનાળા દરમ્યાન પૂરતું પીવાનું પાણી સમગ્ર જિલ્લાના ગામડાંઓમાં, શહેરોમાં મળે    અને નર્મદા નહેર દ્વારા રાપર શહેર તેમજ તાલુકાના દસથી બાર ગામોનો પીવાના  પાણીનો પ્રશ્ન હલ થાય તે  માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જેનો હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં માણસો કરતાં પશુઓની સંખ્યા વધારે છે. સામાન્ય રીતે વ્યકિતદીઠ 50 લિટર પાણી આપવામાં આવે છે.  પરંતુ પશુઓ માટે પણ ટેન્કરો દ્વારા પાણી મળે એ જરૂરી છે.ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, અંજાર મધ્યે આવેલ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત કપાસ ખરીદી કેન્દ્રને વધારે એક્ટિવ કરીને ખેડૂતોના કપાસની વધારે ખરીદી થાય એ દિશામાં અને પશ્ચિમ કચ્છને કોઇ અગવડ ન પડે તે માટે બીજું કપાસ ખરીદીનું કેન્દ્ર માંડવી ખાતે સત્વરે શરૂ કરાય તે માટેની બાબતનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને ટૂંક સમયમાં પશ્ચિમ કચ્છમાં માંડવી ખાતે સીસીઆઇ દ્વારા કપાસ ખરીદીનું કેન્દ્ર શરૂ કરી દેવામાં આવશે.વધુમાં, જૈન મુનિઓ જ્યારે એક ગામથી બીજા ગામ વિહાર કરતા હોય ત્યારે અત્યારે લોકડાઉનની સ્થિતિમાં મુનિવર્યોને કોઇ તકલીફ ન પડે અને તેઓને પણ આવવા-જવા માટે સરળતા રહે તે દિશામાં મુખ્યમંત્રીના ધ્યાને આ વાત મૂકી છે. તેઓએ કહ્યું કે, કોઇપણ જૈન મુનિઓ- સાધુ -શ્રાવકોને સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અટકાવવામાં આવશે નહીં અને કોઇ તકલીફ નહીં પડે અને આગામી દિવસોમાં આ બાબતનું ચોક્કસપણે રાજ્ય સરકાર ધ્યાન રાખશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer