ગરમીની તીવ્રતા સાથે ભુજમાં વીજધાંધિયાનું પ્રમાણ વધ્યું

ભુજ, તા. 27 : ઉનાળાની કાળઝાળ ગરમી અને આકુળ-વ્યાકુળ કરી મૂકે તેવા બફારા વચ્ચે ભુજના અનેક વિસ્તારોમાં અવારનવાર થયેલા વીજધાંધિયાએ શહેરીજનોને તોબા પોકારવા પર મજબૂર કરી દીધા હતા. અંગ દઝાડતા તાપ સાથે જિલ્લા મથકમાં વીજધાંધિયાનો દોર શરૂ થયો હોય તેમ વિતેલા ત્રણ-ચાર દિવસ દરમ્યાન શહેરના અનેક વિસ્તારમાં ક્યારેક વહેલી સવારે તો ક્યારેક બળબળતા બપોરના સમયે અડધોથી એક કલાકના ગાળા સુધી વીજપ્રવાહ બંધ રહેતાં ઉકળાટ અને બફારાના માહોલ વચ્ચે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. શહેરીજનોએ આ મુદ્દે પોતાનો બળાપો ઠાલવતાં કહ્યું કે, ત્રણેક દિવસથી વીજધાંધિયાનું પ્રમાણ એકાએક વધી ગયું છે. આગોતરી જાણ વગર લાઇટ ચાલી જાય ત્યારે વીજતંત્રના નિયત કરાયેલા ફોન પર વીજપ્રવાહ પુન: ક્યારે ચાલુ થશે તે જાણવા પ્રયાસ કર્યો તો યોગ્ય પ્રતિસાદ ન સાંપડયાનો કચવાટ વ્યક્ત કરાયો હતો.સામાન્ય રીતે ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પણ આ વખતે પ્રિમોન્સૂન કામગીરી પર કોરોનાનો પ્રભાવ વર્તાયો છે. તો બે-ત્રણ દિવસથી ફૂંકાતા પવનના લીધે વીજવાયરો પડી જવા સહિતના કારણે ધાંધિયા વધ્યા હોવાનું તારણ લગાવાઇ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer