વેપાર-ધંધાને પુન: પાટે ચડાવવા રચાયેલી ઉચ્ચ સમિતિ સમક્ષ કચ્છ અંગે થયાં સૂચન

ગાંધીધામ, તા. 27 : ગુજરાત સરકારે કોરોના મહામારીને લઈને ઉત્પન્ન સ્થિતિમાં ખાસ તો વેપાર-ધંધાને પુન: પાટે ચડાવવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિએ અહીંની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પાસેથી સૂચનો માગતાં ચેમ્બરે ફર્નિચર પાર્ક સહિતની વિવિધ રજૂઆત કરી હતી.ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના એમ.ડી. અને ઉપાધ્યક્ષ એમ થેન્નારસનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કચ્છ એશિયાનું સૌથી મોટું ટિમ્બર હબ છે. અહીં 150 જેટલા પ્લાયવુડ બનાવતાં કારખાના ધમધમે છે.આ સંજોગોમાં જો અહીં ફર્નિચર ઉદ્યોગ વિકસાવાય તો હાલે ચીનથી આવતા ફર્નિચર સામે આપણે વિદેશી હુંડિયામણ બચાવી શકીએ. કચ્છ જિલ્લામાં બે મોટાં બંદરોને કારણે દેશનો લગભગ 40 ટકા માલ હેન્ડલ થઈ રહ્યો છે. એ માટેની કસ્ટમ, વેર હાઉસ, પરિવહન સહિતની માળખાકીય સવલત વિકસેલી છે. પંજાબ સુધીની હિન્ટરલેન્ડ હોવાથી અનેક સ્થાનિક ઉદ્યોગકારો તેની સાથે સંકળાયેલા છે. જો એક ચોક્કસ નીતિ નક્કી કરીને ટ્રાડિંગ હબ અહીં બનાવાય તો ઘણા બ્રાન્ડેડ પ્લેયર પણ અહીં આકર્ષાય. આ સરહદી જિલ્લામાં ખાદ્યતેલ, સ્ટીલ ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ, ખેતી આધારિત ઉદ્યોગ, પ્રવાસન, મીઠું વગેરે ઉદ્યોગો પણ મોટી માત્રામાં ધમધમી રહ્યા છે. આ તમામ માટે પણ જુદી-જુદી નીતિ ઘડવાનું આ પત્રમાં સૂચન કરાયું છે. ગુજરાત સરકાર માલ અને સેવાકરમાં 50 ટકા જેટલા દર ઘટાડે, જૂના કેસમાં પેનલ્ટી વગેરે પ્રક્રિયાને જડ નહીં પણ સરળ બનાવાય તેવી વ્યાપકમાગણી છે. ઉપરાંત હાલના સમયમાં શ્રમિકોની વતન વાપસીએ પણ મોટા પ્રશ્ન ખડા કર્યા છે, પરંતુ એ જોવામાં આવ્યું છે કે, જ્યાં શ્રમિક કોલોની બનાવીને રહેવા-જમવાની પૂરતી વ્યવસ્થા છે, ત્યાં વતન વાપસી ઓછી થઈ છે. આ સંજોગોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં શ્રમિકો માટે લો -કોસ્ટ હાઉસિંગ ઊભા કરવાનું પણ સૂચન ચેમ્બરે કર્યું છે.કચ્છની પીવાના પાણીની સમસ્યાને જોતાં અને વધી રહેલી માંગને લઈને આ જિલ્લામાં ઓછામાં ઓછાં બે મોટા ડિસેલિનેશન પ્લાન્ટ જરૂરી હોવાનું ચેમ્બરે જણાવ્યું છે. આ ઉપરાંત કંડલા-મુંદરા વચ્ચે જીઆઈડીસી સ્થાપવાની પડતર માગણી, માંદા પડેલા એમ.એસ.એમ.ઈ.ને બેઠા કરવાની યોજના, કોવિડ-ધિરાણને સ્ટેમ્પ ડયૂટીમાંથી બાકાત રાખવા, નવા ઉદ્યોગોને આકર્ષવા ખાસ પેકેજ વગેરે સૂચનોનો આ પત્રમાં સમાવેશ થાય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer