કંડલાની બન્કરિંગ જેટીનો અન્ય રીતે ઉપયોગ થતાં મોટાં કૌભાંડની આશંકા

ગાંધીધામ, તા. 27 : ભૂતકાળમાં દીનદયાળ (કંડલા) બંદરે 13 અને 15 નંબરની જેટીઓ પી.પી.પી. ધોરણે ફાળવાયા બાદ તેના ટેન્ડરની શરતોમાં ફેરફાર કરી પુન: કરાર કરવાની બંદર પ્રશાસને શિપિંગ મંત્રાલયને કરેલી દરખાસ્ત ફગાવી દેવાઇ હતી અને ટેન્ડર  પછી તેની શરતોમાં ફેરફાર ન થઇ?શકે તેવું કહેવાયું હતું. હવે આજ મંત્રાલયે ડીપીટીની બન્કરિંગ જેટીમાં પોસ્ટ ટેન્ડર ફેરફારને મંજૂરી આપતાં આશ્ચર્ય સાથે કૌભાંડની આશંકા જન્માવી છે. બંદર વપરાશકારોમાં ચર્ચાતી વિગતો મુજબ ટેન્ડર દ્વારા ઇન્ડિયન મોલાસીસ કંપની (આઇ.એમ.સી.)ને એક બન્કરિંગ જેટી સોંપાઇ હતી. આ ટેન્ડરની અંદર તેનો અન્ય કોઇ હેન્ડલિંગ અર્થે ઉપયોગ કરવાની જોગવાઇ નહોતી. આમ છતાં પોસ્ટ ટેન્ડર આ કંપનીને બન્કરિંગ જેટી ઉપર લિક્વિડ કાર્ગો વહન કરવાની મંજૂરી આપી દેવાઇ હતી અને હવે તેને એલ.પી.જી. હેન્ડલિંગ અર્થે છૂટ આપવા ચક્રો ગતિમાન કરાયાં છે. આમ, હવે આ જેટી બન્કરિંગ જેટી રહી જ નહીં, પોસ્ટ ટેન્ડરિંગ ફેરફાર જો 13 અને 15 નંબરની જેટીમાં કરવા દેવાયા હોત તો પીપીપી યોજના સફળ?થઇ હોત અને બંદરની બદનામી ન થાત એવી દલીલ વપરાશકાર વર્તુળો કરી રહ્યા છે. બન્કરિંગ જેટી મામલે જો કોઇ?નિયમ કે કાનૂન ભંગ થયો હોય તો તેની સઘન તપાસ થવી જોઇએ. ડીપીટીમાં સી.વી.ઓ. વિભાગ હાલ નિક્રિય હોવાનુંય ચર્ચાઇ રહ્યું છે. આ મામલે મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ ખાનગીમાં ઉઠી રહ્યો છે,પરંતુ આ પ્રકરણને અદાલતમાં લઇ?જવું કે કેમ તે અંગે જાણકારો હજુ નિર્ણય લેવાની સ્થિતિમાં નહીં હોવાનું જાણવા મળ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer