આદિપુરના ધારાશાત્રીના કેસમાં તટસ્થ અને ન્યાયિક તપાસની તંત્રને અપીલ

ગાંધીધામ, તા. 27 : આ સંકુલ તથા ભચાઉ, અંજારના એ.ટી.એમ.માંથી રૂા. 2.94 કરોડની ઉચાપત પ્રકરણમાં આદિપુરના ધારાશાત્રીને એ.ટી.એસ. અહીંથી લઇ ગઇ હતી. તેમના કોરોના ટેસ્ટ બાદ ભચાઉની નીચલી કોર્ટમાં તેમને રજૂ કરાશે તેવું જાણવા મળ્યું હતું. બીજી બાજુ આ બનાવમાં ગાંધીધામ બાર એસો.એ તટસ્થ અને ન્યાયિક તપાસ કરવા પૂર્વ કચ્છ પોલીસવડાને રજૂઆત કરી હતી.વર્ષ 2012માં ગાંધીધામ એ-ડિવિઝન, આદિપુર, અંજાર અને ભચાઉના 44 જેટલા એ.ટી.એમ.માંથી કુલ્લ રૂા. 2.94 કરોડની ઉચાપતનો કિસ્સો બહાર આવ્યે હતો. આ બનાવમાં જે-તે વખતે અન્ય 12 આરોપીઓ સાથે ધારાશાત્રી દિલીપ જોશીને શકદાર તરીકે બતાવાયા હતા. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એ.ટી.એસ.ની ટીમે ગાંધીધામ સંકુલમાં બે દિવસ રહીને રેકી કરી હતી અને ત્યારબાદ આ ધારાશાત્રીને ભચાઉના ગુના કામે ઉઠાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં તેમનો કોરોના ટેસ્ટ કરાશે અને જો નેગેટિવ આવશે તો ભચાઉની નીચલી કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવશે તેવું બહાર આવ્યું હતું. અત્યારે આ ધારાશાત્રીને એકાંતવાસમાં રખાયા હોવાનું જાણવા મળે છે. ધારાશાત્રી દિલીપકુમાર જોશીએ આજ સુધીમાં પોલીસ વિભાગના અનેક કર્મીઓ સામે ફરિયાદો કરી છે અથવા તેમાં વકીલ તરીકે સેવા આપી છે. માત્ર આવા કારણોસર તેમનો ભોગ ન લેવાય અને તેમની સામેની તપાસ નિષ્પક્ષ, તટસ્થ તથા કોઇ પણ જાતના પૂર્વગ્રહરહિત કરવા અહીંના બાર એસો.એ પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી હતી. વકીલ તરીકેના તેમના હક્કોને નુકસાન જાય તેવી કોઇ કાર્યવાહી ન થાય તેની તકેદારી રાખવા ભલામણ કરવામાં આવી હતી. આ બનાવમાં ન્યાયિક, તટસ્થ અને પૂર્વગ્રહરહિત તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer