વરસામેડીમાં ચાર જણે વૃદ્ધ ઉપર લાકડીથી કરેલો હુમલો

ગાંધીધામ, તા. 27 : અંજારના વરસામેડીમાં અગાઉ કરેલા કેસનું મનદુ:ખ રાખી ચાર શખ્સે એક વૃદ્ધ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ ગાંધીધામના સપનાનગરમાં એક દીકરાએ પોતાના માતા-પિતા અને બહેનને માર મારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વરસામેડી ગામમાં રહેતા સામત સુજા રબારી નામના વૃદ્ધ આજે સવારે ગામના બસ સ્ટેન્ડ નજીક ચાની લારી પાસે ઊભા હતા ત્યારે ત્યાં દેવા નારાણ રબારી નામનો શખ્સ આવ્યો અને મારા વિરુદ્ધ કેમ ખોટી ફરિયાદો કરી છે તેવું પૂછ્યું હતું. તેના જવાબમાં વૃદ્ધે કહ્યું હતું કે, ખોટી ફરિયાદ નથી કરી, તેં મને માર માર્યો હતો એટલે ફરિયાદ કરી હતી. તેવામાં ત્યાં સવા રબારી, બાબુ રબારી અને લખા નારાણ રબારી નામના શખ્સો પણ આવ્યા હતા.આ ચારેય શખ્સોએ લાકડી વડે હુમલો કરતાં વૃદ્ધને આંગળીમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં ઈ-249માં મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘરમાં રહેતા ઉર્મિલાબેન અને ભૂપેન્દ્ર લક્ષ્મીશંકર ત્રિવેદીની દીકરી વંદના સાસરિયામાંથી અહીં આવી હતી. આ વૃદ્ધ દંપતીનો દીકરો વિશાલ ઘરે આવ્યો હતો. તેણે પોતાની બેન વંદનાને ગાળો આપતાં તેમના માતા-પિતાએ તેને રોક્યો હતો. દરમ્યાન ઉશ્કેરાયેલો આ શખ્સ પોતાના માતા-પિતા અને બેનને માર મારી નાસી ગયો હતો. નિવૃત્ત જીવન ગાળતાં આ વૃદ્ધ દંપતીને તેમનો દીકરો વિશાલ પૈસા માટે હેરાન-પરેશાન કરતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer