ત્રણ દિ''ના વિરામ બાદ ફરી બે કોરોના પોઝિટિવ

ત્રણ દિ''ના વિરામ બાદ ફરી બે કોરોના પોઝિટિવ
ભુજ, તા. 26 : સતત ત્રણ દિવસ સુધી કચ્છમાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાતાં મળેલી આંશિક રાહત વચ્ચે જાણે કે તંત્રની સાથે કોરોનાની રજા પૂરી થઈ હોય તેમ જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસો નોંધાતાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 66 પર પહોંચ્યો છે. માંડવીના મદનપુરા ગામના 49 વર્ષીય આધેડ અને મુંદરાના ડેપાનો 27 વર્ષીય યુવાન સંક્રમિત થયા છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીની સત્તાવાર યાદી અનુસાર જે બે પોઝિટિવ કેસ નોંધાયા છે તે બંને કવોરેન્ટાઈન થયેલા હતા. મદનપુરાના આધેડની કવોરેન્ટાઈન દરમ્યાન તબિયત લથડતાં શંકાસ્પદ લક્ષણો સાથે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમની તબિયત હાલમાં સ્થિર હોવાનું જણાવાયું છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી ગુજરાત બહારની હોવાનું ડીડીઓ દ્વારા જણાવાયું હતું. ગયા સપ્તાહે એકાએક કોરોનાના પોઝિટિવ કેસનો રાફડો ફાટયા બાદ ઓચિંતા જ ટેસ્ટ ઘટાડી દેવા સાથે પોઝિટિવ કેસનો આંક પર અંકુશ (કાગળ પર) આવી ગયા પછી ફરી એકવાર કેસ નોંધાતાં મદનપુરા અને ડેપા ગામમાં આરોગ્ય તંત્રની ટુકડીઓ તપાસ માટે ઊમટી પડવા સાથે સંપર્કમાં આવેલાઓને તારવી તેમને ક્વોરેન્ટાઈન કરવા સાથે ગામને કન્ટેઈનમેન્ટ ઝોન કરવા સહિતની તજવીજ આદરવામાં આવી હતી. કોડાયથી પ્રતિનિધિ જીવરાજ ગઢવીના અહેવાલ અનુસાર નાના એવા મદનપુરા ગામમાં મુંબઈથી આવેલી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 49 વર્ષીય વ્યક્તિ કે જેને ગત તા. 16ના કવોરેન્ટાઈન કરવામાંઆવી હતી. જેમની તબિયત બગડતાં પ્રથમ માંડવી ત્યારબાદ ભુજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તેમનો કોરોના ટેસ્ટ કરાતાં રિપોર્ટ પોઝિટિવ આવતાંની સાથે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું હતું. તેમની સાથે 8 વ્યક્તિ તેમજ ગામમાં 210 જેટલી મુંબઈથી આવેલી વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાઈ છે. સજાગ અને જાગૃત ગામ મદનપુરાએ લોકડાઉનના પ્રારંભિક તબક્કેથી જ સમગ્ર ગામને પ્રવેશબંધી કરી દીધી હતી. પોઝિટિવ કેસ નોંધાતાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. પાસવાન, માંડવી પી.આઈ. બી. એમ. ચૌધરી, પાટીદાર સમાજના પ્રમુખ જીવરાજભાઈ રામજિયાણી, તલાટી ખેતશીભાઈ ગઢવી, અમૃતભાઈ પટેલ, યુવા મંડળના પ્રમુખ રાજેશ સેંઘાણી, રમેશ લાલજી સહિત અગ્રણીઓએ તકેદારીની કામગીરી હાથ ધરી હતી. જેમનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ મુંબઈમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. હવે પોઝિટિવ કેસ નોંધાતાં ગામને સીલ કરી નિયમ અનુસાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં તબદીલ કરવાની પ્રક્રિયા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. 
    નવી 4874 વ્યક્તિનું ક્રીનિંગ કરાયું  જિલ્લા તંત્ર દ્વારા ગઇકાલ મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં નવી 4874 વ્યકિતના ક્રીનિંગ સાથે અત્યાર સુધી કુલ 230505 લોકોનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 2221 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધીમાં કુલ 2150 વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 51 એક્ટિવ પોઝિટિવ કેસ છે તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer