જાળવણીના અભાવે નખત્રાણામાં સરકારી ક્વાર્ટર બન્યાં ખંડેર

જાળવણીના અભાવે નખત્રાણામાં સરકારી ક્વાર્ટર બન્યાં ખંડેર
નખત્રાણા, તા. 26 : તાલુકાના મુખ્ય મથક એવા આ નગરના ભુજ-લખપત હાઇવે માર્ગ પર સરકારી વસાહતમાં માર્ગ-મકાન બાંધકામ ખાતા (પંચાયત) હસ્તકના સરકારી રહેઠાણો  (ક્વાર્ટર) દેખરેખ રખરખાવના અભાવે જર્જરિત ખંડેર બન્યા છે, એટલું જ નહીં દરવાજા વગરના આ મકાનોમાં રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિ થવાનો ભય પણ છે. સરકારી અધિકારીઓના  મકાનો આમ તો  અત્યાર સુધી ઉપયોગમાં  લેવાતા હતા.  અધિકારીઓ અહીં રહેતા હતા. વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓને ફાળવાતા હતા, પરંતુ સરકારી આ મિલકતની  સારસંભાળના અભાવે હાલ નધણિયાતી હાલતમાં છે. કેટલાક મકાનના દરવાજા છે જ નહીં તો કેટલાક મકાનોના દરવાજા નીકળી જતાં ગજિયાથી મુખ્ય દરવાજા બંધ કરી દેવાયા છે, તો રાત્રિના  સમયે તૂટેલી દરવાજા વગરની બારીમાંથી કોઇપણ અસામાજિક પ્રવૃત્તિ માટે પ્રવેશી શકે છે અને હા, ધરતીકંપ બાદ આ મકાનોનું રિટ્રોફિટિંગ તંત્ર દ્વારા થયું હતું પરંતુ તે તકલાદી કામ થયું હોવાનો આક્ષેપ છે. ભુજ-લખપત હાઇવે માર્ગ પરની આ સરકારી વસાહતમાં પ્રવેશ પાસે જ આ જર્જરિત ખંડેર મકાનો ઊભા છે, પરંતુ તે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા છે. ખરેખર તો પંચાયત હસ્તકના આ મકાનો વ્યવસ્થિત રીતે રિપેરિંગ મરંમત કરી ઉપયોગમાં લેવામાં આવે તો સરકારી કર્મચારીઓને ભાડાના મકાનોમાં રહેવું ના પડેઅને અહીં સિવિલ જજનો બંગલો છે. મામલતદાર, આર. એન્ડ બી.ના ઇજનેર સહિત અધિકારી-કર્મચારીઓના રહેઠાણ છે, ત્યારે આ સરકારી માલ-મિલકતની દેખરેખ થાય તે જરૂરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer