ઘઉં ખરીદી બાદ નાણાં ન ચૂકવાતાં ખેડૂતો મુશ્કેલીમાં

ઘઉં ખરીદી બાદ નાણાં ન ચૂકવાતાં ખેડૂતો મુશ્કેલીમાં
રમેશ ગઢવી દ્વારા-  કાઠડા (તા. માંડવી) તા. 26 : કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકાર દ્વારા ટેકાના ભાવે તા. 27/4ના ઘઉંની ખરીદી શરૂ કરી દેવાઈ જેમાં એક મહિના જેટલા સમયમાં માંડવી ખાતે 321 જેટલા ખેડૂતો આવરી લેવાયા છે. જેમાં 89,2000/- કિલો ઘઉંની ખરીદી કરાઈ અને હવે બીજો રાઉન્ડ પણ શરૂ કરી દેવાયો છે. ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતાં જ વેપારીઓ પણ ખરીદીમાં ભાવ વધારી દીધા છે. ખરીદી તો કરી લેવાઈ પણ નાણાંની ચૂકવણી ક્યારે થશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ટેકાના ભાવે ખરીદી માટે માંડવી ખાતે 836 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 321 જેટલા ખેડૂતોએ જથ્થો પહોંચાડયો. એક ખેડૂત દીઠ 60 કટ્ટા (3000 કિલો)ની ખરીદી કરાય છે, જેમાં એકાદ મહિના જેટલો સમય થયો છતાંય અમુક જ ખેડૂતોને ઓનલાઈન નાણાંની ચૂકવણી કરાય છે. જ્યારે અન્ય ખેડૂતો મોબાઈલમાં નાણાં જમા થયાના એસ.એમ.એસ.ની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો ખરીદ કેન્દ્ર ઉપર તપાસ કરે છે તો જાણવા મળે છે કે, નાણાની ચૂકવણી શરૂ થઈ ગઈ છે અને તેમને એસ.એમ.એસ. આવશે. આ અંગે ખરીદકર્તા ભુજ પુરવઠા નિગમના જયભાઈ મહેતાનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, રકમની ચૂકવણીનો આરંભ તો કરી દેવાયો છે, પણ સ્ટાફ ઓછો હોતાં અને ઓનલાઈન ચૂકવણી માટે બેન્ક એકાઉન્ટ, આઈ.એફ.એસ.સી. કોડ, જમીન તથા નામની ચકાસણી વિ. યોગ્ય ખાતરી કર્યા બાદ જ ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર કરાય છે. જેના માટે ત્રણ-ચાર ટેબલ ફર્યા બાદ આ પ્રક્રિયા પૂર્ણ?થાય છે. અલબત્ત, અઠવાડિયામાં વધુમાં વધુ ખેડૂતોનાં નાણાંની ચૂકવણી કરી દેવાશે, તો તાલુકા કિસાન સંઘ પ્રમુખ પ્રરસોત્તમભાઈ પોકારે જણાવ્યું કે, કોરોના વાયરસના લીધે ખેડૂતોના ઘઉંની ખરીદી મોડી કરાઈ, પરંતુ ખરીદી શરૂ થતાં જ ભાવ ઊંચકાયા જેનો લાભ ખેડૂતોને જરૂર મળ્યો, પરંતુ હાલમાં પાકધિરાણ રિન્યૂ કરવાનો સમય હોતાં અને કોરોના વાયરસના લીધે ખેડૂતોના માલના વેચાણમાં ઘટાડો, આર્થિક વ્યવહાર ઠપ હોતાં ખેડૂતો નાણાભીડમાં છે. ત્યારે એકાદ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં ઘઉંના નાણાંની ચૂકવણી ન થતાં આર્થિક સંકટ વધ્યું છે. જેથી સત્વરે નાણાંની ચૂકવણી કરાય તેવી માંગ કરી હતી.  ઉપરાંત કપાસની ખરીદી માટે અંજાર જ કેન્દ્ર હોતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અંજાર ખાતે ખેડૂતો કરતાં `દલાલો' વધોર હોય તેવું લાગી રહ્યું છે. માંડવી-અબડાસા વિસ્તારમાં હાલમાં વેપારીઓ દ્વારા 40 કિલોના 1700થી 17પ0ના ભાવે ખરીદી કરાય છે, જ્યારે અંજાર ખાતે 2196ના ભાવે ખરીદી થઈ રહી છે. જેથી દલાલોને પ્રોત્સાહન મળી રહ્યું છે તથા ભ્રષ્ટાચાર વધ્યો હોવાની પણ રાડ ઊઠી છે. અંજાર ખાતે સી.સી.આઈ. દ્વારા ખરીદી કરાઈ છે અને ત્યાં રજિસ્ટ્રેશન કરાય છે, પરંતુ નંબર નથી અપાતા, માત્ર રજિસ્ટ્રેશન થઈ ગયું એમ કહેવાય છે અને ફોન આવે ત્યારે જથ્થો લઈ આવવા કહી દેવાય છે. આ અંગે તાલુકા પ્રમુખે બળાપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમણે કપાસ માટે અંજાર ખાતે ત્યાં જઈ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ લાંબો સમય થઈ ગયો છતાં પણ તેમનો ક્રમ ક્યો છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું. આ બાબતે સી.સી.આઈ.ના અધિકારી રાજકોટ ખાતે શ્રીવાસ્તવનો સંપર્ક કરતાં તેમણે પણ કોલ આવશે એવું કહી ટાળી દીધું. માંડવી ખાતે ખરીદી માટે ધારાસભ્ય, સાંસદ સહિતને રજૂઆત કરાઈ હોવા છતાં કેન્દ્ર શરૂ ન કરાતાં નારાજગી વ્યક્ત કરતા કિસાન સંઘ પ્રમુખ પરસોત્તમભાઈ પોકારે કપાસની ખરીદીમાં પણ વેપારીઓ અને સી.સી.આઈ. વચ્ચે કાંઈક રંધાઈ રહ્યાનું કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer