વિવિધ શહેરોમાં કલાકારોનો લાઇવ ઇન સિન્ક કાર્યક્રમ

વિવિધ શહેરોમાં કલાકારોનો લાઇવ ઇન સિન્ક કાર્યક્રમ
કનૈયાલાલ જોશી તરફથી-  મુંબઇ તા. 25 : અલગ અલગ શહેરોમાં બેઠેલા કલાકારો પરફોર્મ કરે અને તેનું લાઇવ પ્રસારણ થાય ત્યારે શ્રોતાઓ એક મંચ પરથી કલાકારો ગાયનવાદન કરે છે તેવો અનુભવ કરે એવું શક્ય છે ? તેનો જવાબ `હા' છે. ટેકનોલેજીની મદદથી આ શક્ય બન્યું છે. જેની વિશ્વવિખ્યાત તબલા નવાઝ ઉસ્તાદ ઝાકિર હુસેને પણ પ્રશંસા કરી !લોકડાઉનના કારણે જાહેર પ્રોગ્રામ શક્ય નથી એટલે આંતર રાષ્ટ્રીયસ્તર પ્રોગ્રામ કરતા કલાકારોએ સોફટવેર એન્જિનીયરોની મદદથી પોતાનું ડ્રીમ પૂરું કર્યું છે. ભારતના આ કલાકારોને દેશ વિદેશમાંથથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. એ સાથે સાવ બંધ પડી ગયેલી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આશાનો સંચાર થયો છે. લેકડાઉનમાં પણ લાઇવ પ્રોગ્રામ કરવાનો વિશ્વાસ પેદા થયો છે. વિશ્વમાં પહેલીવાર આ પ્રકારે લાઇવ પ્રોગ્રામ સફળતાથી કરનાર કલાકારો છે. પુરબયન ચેટરજી અને ગાયત્રી અશોકન (બંને સિંગર), દર્શન દોશી (ડ્રમર), શ્રવણ શ્રીધર (વાયોલિન), આદિત્ય શ્રી નિવાસન (તબલાં અને સાઉન્ડ એન્જિનીયર) અને મહેશ રાઘવન. આ કલાકારોએ અર્ધા કલાકનો વોકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પ્રોગ્રામ પ્રસ્તુત કર્યો હતો. જે ઇન્સ્ટાગ્રામ અને દર્શન દોશી ઓફિસિયલ ફેસબુક પેજ પર શ્રોતાઓએ નિહાળ્યો હતો. 22મી મેના આ કાર્યક્રમ પ્રસારિત થયો હતો. જેની અગાઉથી માહિતી વિખ્યાત ડ્રમર દર્શન દોશીના પિતા સંગીતકાર શૈલેશ દોશીએ અગાઉથી આપી હતી. આ કાર્યક્રમ નિહાળીને આશ્ચર્ય થયું હતું. આ પ્રકારના કાર્યક્રમમાં સામાન્ય રીતે એક-બે સેકંડનો વાદન અને શ્રવણમાં ફરક પડી જાય છે. જેને `લેટન્સી' કહે છે. પરંતુ સોફટવેર એન્જિનીયરે આ ખામી દૂર કરીને આશ્ચર્ય સર્જી દીધું છે. આ કાર્યક્રમ વિષે વધુ વાત કરીએ તો તબલાં પ્લેયર આદિત્ય શ્રી નિવાસન ચેન્નઇમાં હતો. વાયોલિનવાદક શ્રવણ બેંગ્લોરમાં જ્યારે બંને સિંગર અને ડ્રમર દર્શન મુંબઇમાં હતા ત્યારે પ્રોગ્રામની તૈયારી કરી જે એક મહિનો ચાલી એ પછી ટ્રાયલ અને રીહર્સલ પછી કામયાબી મળી. આ પ્રોગ્રામ નિહાળીને ટીવી ચેનલો પ્રસારણ કરવા આગળ આવી છે. તો સ્પોન્સર કંપનીઓએ ઓફર કરી છે. કલાકારો પોતાના ઘરે અલગ અલગ સ્થળે બેઠા હોય અને ઓડિયન્સ પણ પોતાની જગ્યાએ લિન્કના આધારે લાઇવ માણે એવું પહેલા કયારેય બન્યું નથી. અત્યાર સુધી જે પ્રેગ્રામ થયા તે બધા પ્રિરેકોર્ડેડ અથવા વીડિયો શૂટથી થયા છે જેમાં અઠવાડિયું લાગી જાય છે. `લાઇવ ઇન સિન્ક' પ્રોગ્રામની ઉસ્તાદ ઝાકિર હુસેન અને આસામના સિંગર પેપોન અંગરાગે પ્રશંસા કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer