બિહારી મજૂરોએ વિદાય લેતાં કહ્યું, `કચ્છ સત્ય પ્રદેશ''

બિહારી મજૂરોએ વિદાય લેતાં કહ્યું, `કચ્છ સત્ય પ્રદેશ''
કેરા (તા. ભુજ), તા. 26 : કોરોના પ્રકોપ વચ્ચે ઘણી જગ્યાએ એવી સેવાઓ થઇ છે કે જમણો આપે તે ડાબાને ખબર ન પડે ! આવી સેવા પામેલા એક બિહારી શ્રમિક જૂથે વિદાય લેતાં કહ્યું; `કચ્છ સત્ય પ્રદેશ હૈ !' લંડનમાં મૂળ કેરાના મનુબેન, વર્ષાબેન, ગીતાબેન અને રાધાબેનને ખબર પડી કે માદરે વતન-ગામ, દેશમાં તકલીફ છે, તરત ભારાસરના રમેશભાઇ (વરસાણી ઇલેક્ટ્રિક)ને સંદેશો આપ્યો અને એક લાખ રૂપિયાની રાશનકિટ વિતરિત થઇ. એક હજાર રૂપિયાની એક કિટ પામી બિહારી મજૂરોને નવાઇ લાગી, એટલું જ નહીં જુદા-જુદા દાતાઓએ બે માસ ભોજન જમાડયું. કેરાના સરપંચ દિનેશ દેવજી હાલાઇના પ્રયાસોથી દાતાઓ જોડાયા. મુસ્લિમ ટ્રસ્ટ તરફથી રિયાઝઅલી ખોજાએ પોતાની વાડીમાં રસોડું શરૂ કર્યું. આમ તો આવી સેવા કચ્છના દરેક ગામ, શહેરોમાં થઇ છે. કેરા-ચુનડી સીમમાં સરકારી ડેમના બાંધકામ માટે બિહારી મજૂરો હતા. લોકડાઉનમાં અટવાયા. ચિંતા હતી ખાવા-પીવાની... પણ બે માસ લોકોએ ભરપેટ ખવડાવ્યું. સામાન્ય દિવસોમાં ન જમતા હોય તેવાં ભોજનિયાં તથા રાશનકિટ મેળવી રામનાથ નામનો મજૂર બોલી ઊઠયો; `કચ્છ સત્ય પ્રદેશ હૈ...! હમારે બિહારમેં ઐસા હમ સોચ ભી નહીં સકતે. યહાં કે દાતા અચ્છે હૈ, ઉસસે અચ્છે કાર્યકર હૈ...' આવા સેંકડો શ્રમિકો વતન પહોંચી ગયા છે અને ત્યાંથી કપરા ગણાતા બે માસના આતિથ્યને સ્મરે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer