કચ્છમાંથી ટ્રેન દ્વારા વતન પરત જતા 25 હજાર શ્રમિકને ભાજપે ફૂડ પેકેટ આપ્યા

કચ્છમાંથી ટ્રેન દ્વારા વતન પરત જતા 25 હજાર શ્રમિકને ભાજપે ફૂડ પેકેટ આપ્યા
ભુજ, તા. 26 : કચ્છ જિલ્લા ભાજપના વિશેષ સેવા અભિયાનના ભાગરૂપે સતત દસમા દિવસે ટ્રેનો દ્વારા વતન પરત ફરી રહેલા અનેક શ્રમિકોને ફૂડ પેકેટ અર્પણ કરાયા હતા. અત્યાર સુધી અંદાજે 25 હજાર જેટલા ફૂડ પેકેટ શ્રમિકોને અપાયા છે. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ તથા સાંસદ વિનોદભાઇ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ આદરાયેલા આ વિશેષ સેવા અભિયાનમાં આજે ભુજથી વાયા ગાંધીધામ થઇને ગોરખપુર જતી ટ્રેનના અંદાજે 1650 શ્રમિકો અને ગાંધીધામથી આસામના દિબ્રુગઢ ખાતે પ્રયાણ કરતી ટ્રેનના અંદાજે એક હજાર જેટલા શ્રમિકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગઇકાલે સાંજે ગાંધીધામથી બિહાર અને આંધ્રપ્રદેશના શ્રમિકો માટે પણ અન્ય બે શ્રમિક ટ્રેનો દોડાવાઇ હતી. આ બંને શ્રમિક ટ્રેનોના મળીને અંદાજે 2500 જેટલા શ્રમિકો માટે પણ ફૂડ પેકેટનું વિતરણ થયું હતું. આમ કચ્છ જિલ્લા ભાજપના વડપણ હેઠળ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સરહદ ડેરીના સમન્વયથી આ સેવાયજ્ઞના ભાગરૂપે અત્યાર સુધી છેલ્લા દસ દિવસની કુલ્લ સોળ ટ્રેનો દ્વારા વતન પરત ફરી રહેલા લગભગ 25 હજાર જેટલા શ્રમિક ભાઇ-બહેનો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અન્ય એક કાર્યક્રમના ભાગરૂપે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી પટેલ ગઇકાલે ભુજથી ટ્રેન વાટે વારાણસી જતા શ્રમિકોને ભુજ રેલવે સ્ટેશન ખાતે મળ્યા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. આ મુલાકાત વેળાએ કચ્છ જિલ્લા ભાજપ મંત્રી દિલીપભાઇ શાહ, ભુજ શહેર ભાજપ મંત્રી શીતલભાઇ શાહ, જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી કમલભાઇ ગઢવી, નગરસેવક કૌશલભાઇ મહેતા, હરેશભાઇ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer