ગોગારા-હાજાપરનો ટાંકિયો ડેમ નર્મદાથી ભરાય તો 6 ગામને ક્ષારમાંથી મુક્તિ મળે

ગોગારા-હાજાપરનો ટાંકિયો ડેમ નર્મદાથી ભરાય તો 6 ગામને ક્ષારમાંથી મુક્તિ મળે
ભુજ, તા. 26 : અઢીથી ત્રણ કિ.મી. ક્ષેત્રફળ થઇ શકે તેટલો ઘેરાવ કોટડા (ચકાર) તાલુકાના હાજાપર પાસેના જૂના ગામો ગોગારા, સાંકરાટીંબા વિસ્તારમાં આવેલ નાની સિંચાઇ હસ્તકનો ટાંકિયો ડેમ નર્મદાના પાણીથી ભરવા અહીંના જિલ્લા પંચાયતના સભ્ય ઉપપ્રમુખ નિયતિબેન પોકારે આ પંથકના ધારાસભ્ય રાજ્યમંત્રી વાસણભાઇ આહીર સમક્ષ હાજાપર, નાના રેહા, મોટા રેહા, જાંબુડી, કોટડા (ચકાર) સહિતના ખેડૂતો વતી રજૂઆત કરી છે. આ ડેમ 1971થી 72 દરમ્યાન બન્યો હતો તેમ હાજાપરના માજી સરપંચો છગનલાલ ઠક્કર અને ચંદુલાલભાઇ જોબનપુત્રાએ જણાવ્યું હતું. આ ડેમનું લોકેશન ડુંગરો વચ્ચે સરકારી વિશાળ પડતર જમીન વચ્ચે હોતાં તેનું વિસ્તરણ કરાય તો તેનો ઘેરાવ અઢીથી ત્રણેક કિ.મી.નું ક્ષેત્રફળ થઇ શકે. આ પંથકમાં એક પણ સિંચાઇ થઇ શકે તેવો ડેમ નથી. ખેંગારસાગર ડેમ છે, તો ભુજ તાલુકાના વિસ્તારમાં પણ તેના પાણીનો લાભ મુંદરા તાલુકાના ખેડ્તોને મળે છે. સરકાર વરસાદી પાણીને ઉપયોગમાં લેવા આ ડેમનું વિસ્તરણ કરે તેવી માંગ છે તેમજ દુષ્કાળના વરસોમાં આ ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો હજારો એકર ક્ષારયુક્ત ભૂગર્ભ પાણીવાળી જમીનને મીઠા પાણી મળે અને તેમાં સિંચાઇથી ખેડૂતો ખેતી કરી શકે. વરસોથી આ ટાંકિયા ડેમનું વિસ્તરણ અને તેને નર્મદાના પાણીથી ભરવાની ખેડૂતો માગણી કરે છે. મોટા રેહાના સીમાડે, હાજાપર, હરૂડીના સીમાડાની હજારો એકર જમીન ક્ષારયુક્ત ભૂગર્ભ પાણીના કારણે  ખેડૂતો પિયત ખેતીથી વંચિત છે. આ ડેમને નર્મદાના પાણીથી ભરવા અને તેનું વિસ્તરણ કરવા આ પંથકની માગણી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer