મંદીના માહોલમાં કારીગરોને પ્રોત્સાહન આપતું હેન્ડવોશ સ્ટેશન મશીન

મંદીના માહોલમાં કારીગરોને પ્રોત્સાહન આપતું હેન્ડવોશ સ્ટેશન મશીન
ભુજ, તા. 26 : કોરોના વાયરસને કારણે છેલ્લા બે માસ ઉપરથી આર્થિક મુશ્કેલી અનુભવતા કારીગરોને પ્રોત્સાહન મળે અને તેઓ ફરી આત્મનિર્ભર બની શકે તે માટે હુન્નરશાળા સંકલન આર્ટિઝન એમ્પાવરમેન્ટ યુનિટ ખાતે હેન્ડવોશ સ્ટેશન બનાવવા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. આ હેન્ડવોશ સ્ટેશનની કિંમત 3011 રૂા. રખાઇ છે જે તમામ કારીગરને જ આપવા સંસ્થા દ્વારા નક્કી કરાયું છે. કોરોના મહામારીના સમયમાં બીમારીથી બચવા લોકોને માસ્કની સાથોસાથ સેનિટાઇઝર તથા સાબુથી હાથ વારંવાર ધોવા સરકાર દ્વારા અપિલ કરાતી રહે છે. લોકો પણ સતર્કતા દાખવી હાથને સાફ રાખી રહ્યા છે ત્યારે ભુજની હુન્નરશાળા સંકલન આર્ટિઝન એમ્પાવરમેન્ટ યુનિટ ખાતે કારીગરોને મશીનની ડિઝાઇન અપાઇ હતી અને તેના પરથી હેન્ડવોશ સ્ટેશન મશીન બનાવવાનું શરૂ કરાયું હોવાનું ડાયરેકટર તેજસ કોટકે જણાવ્યું હતું.  તેમણે ઉમેર્યું કે, બજારમાં અનેક કંપનીઓ દ્વારા સમયને અનુરૂપ હેન્ડવોશ મશીનો ઉપલબ્ધ છે. અલગ-અલગ કચેરીઓ, ઘર કે, સંસ્થાઓમાં પણ આવા મશીનો દેખાઇ રહ્યા છે ત્યારે લોકોને પરવડે તેવા ભાવ સાથે ઉપરોકત મશીન હેમંતભાઇ દુધૈયા અને ઉમરભાઇ સમેજા દ્વારા તૈયાર કરાય છે. સાડા આઠ કિલોનું વજન ધરાવતા આ મશીનને કોઇપણ સ્થળે આસાનીથી ફિટ કરી     શકાય છે. જરૂર માત્ર પાણીની લાઇનની રહે છે. વોશબેસીન જેવા આકારમાં તૈયાર કરાયેલા મશીનમાં પાણીનો નળ અને પગની મદદથી પ્રવાહી સાબુ કે, સેનિટાઇઝરની બોટલ લગાવી ઉપયોગ કરી શકાય છે. મશીન લગાવવા માટે પ્લમ્બર કે અન્ય કોઇ ખર્ચની જરૂર રહેતી નથી. વળી, બોટલ બદલાવવી પણ ખૂબ જ સરળ છે. એમ કહો કે, નાનો બાળક પણ આ મશીન સરળતાથી ઉપયોગ કરી શકે. એક કારીગર એક દિવસમાં બે મશીન સરળતાથી તૈયાર કરી શકે છે અને તેના પર સરકારની ગાઇડલાઇન મુજબની સૂચનાઓ પણ લગાવાઇ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer