રક્તદાન કેમ્પની મંજૂરી બાદના પહેલા જ કેમ્પમાં સુખપરવાસીઓએ રંગ રાખ્યો

રક્તદાન કેમ્પની મંજૂરી બાદના પહેલા જ કેમ્પમાં સુખપરવાસીઓએ રંગ રાખ્યો
ભુજ, તા. 26 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ચાલતી બ્લડ બેંક દ્વારા સ્થાનિકે (ઈન હાઉસ) અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી હોસ્પિટલની બ્લડ માટેની જરૂરિયાત સંતોષાતી હતી. પરંતુ લોકડાઉનને કારણે અનેકવિધ મર્યાદાને લઈને કેમ્પનું આયોજન થઈ શકતું ન હતું. જો કે, હવે વહીવટીતંત્રની મંજૂરી મળતાં જરૂરી નિયમપાલન સાથે રક્તદાન કેમ્પની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્લડ બેન્કના વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય દ્વારા હોસ્પિટલના વહીવટીતંત્રને સાથે રાખી જિલ્લા કલેક્ટર પાસેથી રક્તદાન કેમ્પ માટે ખાસ કિસ્સામાં અને જરૂરિયાતમંદ દર્દીઓનાં હિતમાં મંજૂરી મેળવી ભુજ તાલુકાના સુખપર ગામે સમાજવાડી ખાતે પ્રથમ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 141 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અને 39,350 સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલના જણાવ્યા અનુસાર સુખપર ગામમાં રક્તદાન દરમિયાન લોકડાઉનના તમામ નિયમોનું પાલન કરી રક્તદાતાઓએ 44 ડિગ્રી તાપમાન વચ્ચે રક્તદાન કર્યું હતું. સુખપરના નરનારાયણ સ્વામિનારાયણ મંદિર સાથે સંકલન કરી તેમજ લક્ષ્મણસ્વરૂપ સ્વામીજીની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ અમરબેન રાબડિયા તથા ઉપસરપંચ મનજીભાઈ ગોરસિયા અને તમામ હરિભક્તોના સહકારથી કેમ્પને સફળતા મળી હતી અને 52850 સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.  ઉપરાંત પવિત્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમ ભાઈઓએ પણ હોસ્પિટલમાં 13500 સીસી રક્તનું દાન કર્યું હતું, એમ મેડિકલ ઓફિસર ડો. ખુશકુમાર ડાભીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer