પિતા કારગિલ તો પુત્રી કોરોના વોરિઅર

પિતા કારગિલ તો પુત્રી કોરોના વોરિઅર
આદિપુર, તા. 26 : આજે આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. ત્યારે તેને ભોગ બનેલા દર્દીની સેવા કરી તબીબો અને સંલગ્ન કર્મીઓ પણ સાચા યોદ્ધાની ભૂમિકા નિભાવી રહ્યા છે ત્યારે તેમાં ભુજની એક તબીબ યુવતી પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એવી જ જવાબદારી નિભાવી રહી છે. 24 વર્ષ સુધી આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકેની ફરજ બાદ સૂબેદાર તરીકે નિવૃત્ત થઇ, હાલે ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં સહાયક પોસ્ટ માસ્ટરની ફરજ બજાવતા મૂળ તેરાના અને હાલે માધાપર રહેતા સારસ્વત બ્રાહ્મણ પ્રદીપ શંકરલાલ જોશીએ 1999માં કારગિલ યુદ્ધ વખતે કાશ્મીર કુપવાડા અને દ્રાસમાં ફરજ બજાવી, કારગીલ વોરિઅર તરીકે અને હાલે કોરોના સામેના જંગમાં તેમની એમ.બી.બી.એસ. થયેલી પુત્રી કુ. ડો. બ્રિઝલ અમદાવાદ સિવિલમાં કોરોના વોરિઅર તરીકે કાર્યરત છે. માર્ચ માસથી કોરોના વોર્ડમાં એટલે `કોવિડ-19'માં સેવારત ડો. બ્રિઝલે ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તબીબી કારકિર્દીના પ્રારંભે જ, મહાયુદ્ધમાં લડવા જેવી કામગીરી મળી છે. આ રોગના ભોગ ન બનીએ તે માટે સરકારની માર્ગદર્શિકાનો પૂરો અને ચૂસ્ત અમલ જ તેમાંથી બચાવી શકશે. ભટીંડા (પંજાબ)ની આર્મી નર્સરી શાળામાં કે.જી.ના શિક્ષણ બાદ ધો. 1/2નું શિક્ષણ શ્રીનગરમાં મેળવ્યું હતું. પ્રા. શિક્ષણ દરમ્યાન કારગિલને નજીકથી અનુભવ્યું છે. એ વખતના એક અનુભવ પ્રમાણે તેમની શાળામાં એકવાર આતંકવાદીઓ આવી જઇ ધડાધડ ગોળીબાર કરેલા, પણ આપણી સેનાની કુનેહ અને કુશળતાથી કોઇ જાનહાનિ થઇ નહોતી. પિતાની ફરજ દરમ્યાન નાગાલેન્ડ પણ જેઇ લીધું છે, દિલ્હી કેન્દ્રીય વિદ્યાલયમાંથી ધો. 10 અને સાગર (મ.પ્ર.)માં કેન્દ્રીય વિદ્યાલયમાંથી ધો. 12 પાસ કરી, ડો. હરિસિંહ ગૌર યુનિ.માંથી બે વર્ષનો બાયોટેક અભ્યાસ ઉચ્ચ ક્રમાંકે સર કરી સરકારી શિષ્યવૃત્તિ પણ મેળવી હતી. ડો. બ્રિઝલ ઉદયપુર એનિમલ એઇડ્સ સંસ્થા સાથે પણ જોડાયેલી છે. એ વાત તેમના માતા કલ્પનાબહેને જણાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer