લાઈટ બિલ, શાળાની ફી, મિલકત વેરો વગેરે માફ કરવા માગણી

લાઈટ બિલ, શાળાની ફી, મિલકત વેરો વગેરે માફ કરવા માગણી
ગાંધીધામ, તા. 26 : 55 દિવસના લોકડાઉનને પગલે ધંધા-ઉદ્યોગ પડી ભાંગ્યા છે. ગરીબ, મધ્યમ વર્ગની આજીવિકા બંધ થઈ ગઈ છે ત્યારે આવા લોકોના લાઈટ બિલ માફ કરવા, શાળાની ફી ન લેવા, મિલકત વેરા માફ કરવા સહિતની રજૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોનાએ ગુજરાતમાં પણ પંજો જમાવી દીધો છે. જેથી છેલ્લા 55 દિવસથી લોકડાઉન જારી છે. આવામાં ધંધા-ઉદ્યોગ બંધ પડયા છે. ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને બેવડો માર ખાવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આટલા લાંબા સમયથી જીવનનિર્વાહ કરવો ખૂબ મુશ્કેલ થઈ પડયું છે. લોકો પાસે જે આછીપાતળી બચત હતી તે પણ વપરાઈ ગઈ છે. મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. માર્ચથી જૂન સુધીના વીજબિલ માફ કરવા, રહેઠાણ, પાણી વેરો-મિલકત વેરો માફ કરવા, નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવા, ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવી અથવા આ ફી સરકાર પૂરી પાડે, કૃષિ ધિરાણની મુદલ અને વ્યાજ ભરવા ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મૂકે અને વ્યાજ માફ કરે તેવી રજૂઆતો આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આ વેળાએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઓસમાણ ગની, આમદ માંજોઠી, સમીપ જોશી, દીપક લાખાણી, સામજી આગરિયા વગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer