વધુ 3450 શ્રમિકો કચ્છમાંથી નીકળી મૂળ વતન પરત ફર્યા

ભુજ, તા. 26 : છેલ્લા થોડાક દિવસોથી શ્રમિકો માટે વતન પરત જવા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચાલી રહી છે. તેના અંતર્ગત કચ્છમાંથી આજે ઉપડેલી બે ટ્રેનો પૈકી ભુજથી ગોરખપુર અને ગાંધીધામથી દિબ્રુગઢમાં અંદાજે 3450 જેટલા શ્રમિકે પોતાના મૂળ ગામ તરફ પ્રયાણ કર્યું હતું. ભુજના રેલવે મથકેથી બપોરે ભુજથી ગોરખપુર (ઉત્તરપ્રદેશ) માટે ઉપડેલી શ્રમિક સ્પે. ટ્રેનમાં 1650 શ્રમિક પ્રવાસી ચડયા હતા. જ્યારે  આ જ ટ્રેન ગાંધીધામથી 700 મજૂરોએ પકડી હતી. દરમ્યાન આજે ગાંધીધામથી આસામની ટ્રેન સાંજે રવાના થઈ હતી. રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામથી આસામના દિબ્રુગઢની ટ્રેનને સાંજે 8 વાગ્યે લીલીઝંડી આપી પ્રવાસીઓને વિદાય આપવામાં આવી હતી. આ ટ્રેનમાં ગાંધીધામથી 1100 શ્રમિકોએ વતન વાપસી કરી હતી. જ્યારે બાકીના 500 પ્રવાસીઓ અમદાવાદથી  ચડયા હતા. આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ અને બિહારની ટ્રેન હજુ દોડાવાશે, તેવું  જાણવા મળ્યું હતું. ભુજથી ગોરખપુર ગયેલી ટ્રેનમાં ગાંધીધામથી 700  પ્રવાસીઓને મોકલવામાં આવ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer