ભુજમાં જુગારના બે દરોડામાં નવ ખેલી ઝડપાયા, અન્ય ત્રણ જણ પલાયન

ભુજ, તા. 26 : જિલ્લાના આ મુખ્ય મથકે સ્થાનિક એ- ડિવિઝન પોલીસ દ્વારા લોકડાઉન બંદોબસ્તની જાળવણી વચ્ચે સંજોગનગર અને આશાપુરાનગર વિસ્તારમાં દરોડા પાડીને જુગાર રમવાના આરોપસર નવ આરોપીને પકડી પાડયા હતા. જ્યારે ત્રણ આરોપી હાથમાં આવ્યા ન હતા. પોલીસે આપેલી માહિતી મુજબ સંજોગનગર વિસ્તારમાં શાળા નંબર-1 પાસે ગંજીપાના વડે રમાઇ રહેલા તીનપત્તીના જુગાર ઉપર છાપો મરાયો હતો. જેમાં ભુજના અબ્દુલ્લગની ફકીરમામદ અજડિયા, રમજુ સાલેમામદ જીએજા, ભરત નરશી રાણા, રઝાક અબ્બાસ આરબ, સમીર ઇસ્માઇલ મંધરા, ઝહિર અબ્બાસ જાકબ સમા અને નાનજી મનજી વણકરને રૂા. 7780 રોકડા અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ્લ રૂા. 11,280ની માલમતા સાથે પકડી તેમની વિરુદ્ધ કાયદાકીય ગુનો દાખલ કરાયો હતો. જ્યારે શહેરમાં આશાપુરાનગર વિસ્તારમાં ઇકરા સ્કૂલ પાસે જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમી રહેલા બે  ખેલીને સ્થાનિક એ-ડિવિઝન પોલીસે દરોડો પાડીને રૂા. 11,210ની રોકડ રકમ સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં અન્ય ત્રણ આરોપી નાસી ગયા હતા. સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ પકડાયેલા આરોપીમાં ભુજના જિતેન્દ્ર હરિલાલ રાજગોર અને સુરેશ કાંતિલાલ જોશીનો સમાવેશ થાય છે. જ્યારે  રાજેશ નરેન્દ્ર ગોર, ઇમરાન હુશેન જત અને સત્યમ શાહનો નાસી જનારામાં સમાવેશ થાય છે. બન્ને દરોડાની કાર્યવાહીમાં ઇન્સ્પેક્ટર એમ.આર. બારોટ સાથે સ્ટાફના કિશોરાસિંહ જાડેજા, ભાવેશભાઇ ડાંગર, સુરેન્દ્રાસિંહ ઝાલા, પૃથ્વીરાજાસિંહ જાડેજા, મયૂરાસિંહ જાડેજા, પ્રવીણાસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer