વીજબિલ નહીં ભરે તેની પાસેથી દંડ-વ્યાજ વસૂલાશે

ભુજ, તા. 26 : 25મી માર્ચથી સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ લાગુ કરવામાં આવેલા લોકડાઉન પછી છેલ્લા ત્રણ મહિનાથી આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા દરેક વર્ગ માટે સરકારે વધુ એક આકરે નિર્ણય લીધો હોવાના હેવાલ મળ્યા છે. હવે 31મી મે સુધી લાઇટ બિલ નહીં ભરનારા ગ્રાહકોને દંડ ઉપરાંત વ્યાજની રકમ ભરવાની સૂચના આપવામાં આવી છે. એક બાજુ દેશની કેટલીક રાજ્ય સરકારોએ વીજ બિલ માફ કર્યા છે અથવા તો હાલમાં બિલની રકમ નહીં ભરનારા ગ્રાહકોના વીજ જોડાણ નહીં કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એવામાં ગુજરાત સરકારના ઊર્જા વિભાગના આ નવા ફતાવાથી કચ્છના વીજગ્રાહકો માટે પડયા ઉપર પાટા સમાન ગણાશે. લોકડાઉનના સમયમાં દરેક નાગરિકોને ઘરમાં જ બેસવાની ફરજ પડી હતી. પોતાના નાના-મોટા ધંધા-નોકરીઓ છોડી ઘરમાં રહેતા પરિવારેના વીજ યુનિટમાં સ્વાભાવિક રીતે મોટો વધારો થઇ ગયો છે.કેટલાક જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે ખરેખર સરકારે આવા આપત્તિકાળના સમયમાં વીજબિલનાં લેણાં માફ કરવા જોઇએ તેના બદલે મોડા બિલ ભરનારા સામે દંડ અને વ્યાજ સહિતની વસૂલાત કરતા નિર્ણયનો વિરોધ કર્યો હતો. કચ્છની વાત કરીએ તો પી.જી.વી.સી.એલ.ના ભુજ અને અંજાર એમ બે સર્કલમાં વહેંચાયેલા આ વીજ તંત્રના પાંચ લાખથી વધુ જુદા-જુદા પ્રકારના ગ્રાકહો છે. એઁપ્રિલના અંત સુધીમાં લગભગ રૂા. 225 કરોડનાં લેણાં ચડી ગયાં હતાં અને એમાંય અમુક નિયમિત બિલ ભરનારા વીજગ્રાહકોએ તો આવી પરિસ્થિતિમાં પણ બિલની રકમ ઓનલાઇન કે ડિજિટલ પેમેન્ટના માધ્યમથી તંત્રને ભરપાઇ કરી આપી હતી.પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છના વીજતંત્ર તરફથી શરૂઆતમાં માર્ચ-એપ્રિલના એવરેજ બિલની રકમના દરેક ગ્રાહકોને મોબાઇલ ઉપર મેસેજ કરવામાં આવ્યા હતા. કારણ કે મીટર રીડરને ઘરોમાં જવાની મનાઇ હોવાથી આગલા યુનિટના વપરાશને ધ્યાને લઇ એવરેજ બિલ આપવામાં આવ્યા હતા, પરંતુ હવે મીટર રીડરોને બિલ બનાવવાની સૂચના આપવામાં આવી છે. ઘરો-ઘર બિલ ચાલુ કરવામાં આવ્યા હોવાની મળેલી જાણકારીના આધારે પી.જી.વી.સી.એલ.ના કચ્છના અધીક્ષક ઇજનેર અજિત ગરવાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હવે મીટર રીડર બિલ બનાવવા આવી રહ્યા છે. વિભાગ ઉપરાંત જે કોન્ટ્રાકટ ઉપર રખાયેલા મીટર રીડર હતા એ તમામ બિલ બનાવી રહ્યા છે. જો હવે બિલ આપવામાં આવે છે, તો રકમ ભરવાનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે એ સાથે તેમણે કહ્યું કે, ઊર્જા મંત્રાલય તરફથી સૂચના મળી છે એ મુજબ તા. 31-5 એટલે કે મે મહિનાની છેલ્લી તારીખ બિલ ભરવાની મુદત આપવામાં આવી છે.મુદત એટલે  જો આ છેલ્લી તારીખ સુધી જેમના બિલ ભરવામાં નહીં આવે તો ત્યાર પછી જે બિલની રકમ ભરશે તેમને દંડ અને અત્યાર સુધીની વ્યાજની રકમ બંને વસૂલાત કરવાની ઊર્જા મંત્રાલયની સૂચના છે એમ તેમણે જણાવ્યું હતું. એક બાજુ ઘરે બેસવાની સૂચના, બીજી બાજુ સરકાર તરફથી કોઇ જ રાહત આપવામાં નહીં આવતાં કચ્છના વીજગ્રાહકોને બેવડો માર સહન કરવો પડશે, કારણ કે 44 ડિગ્રી ગરમીનો પારો પહોંચી ગયો હોવાથી પંખા, કૂલર અને એ.સી.નો વપરાશ સખત વધી જતાં હજારો રૂપિયાના મોટા બિલ ઉપર દંડ ભરવાનો વારો આવી શકે તેમ હોવાથી અત્યારથી જ આ બાબત સામે જાગૃત ગ્રાહકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer