આદિપુરના જાણીતા વકીલને એટીએસએ ઉપાડયા

ગાંધીધામ, તા. 26 : આ શહેર સંકુલ તથા અંજાર અને ભચાઉની રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેંકોના 44 જેટલા એ.ટી.એમ.માંથી રૂા. 2.94 કરોડની ઉચાપતના આઠ વર્ષ જૂના પ્રકરણમાં રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ આદિપુરના જાણીતા ધારાશાત્રી દિલીપ જોશીને ઉઠાવ્યા હતા. આ ધારાશાત્રીના કોરોના અંગેના ટેસ્ટ કરાવી અહીંથી લઇ જવાયા હતા. આ ઘટનાએ સમગ્ર સંકુલમાં ભારે ચકચાર જગાવી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ 2012માં આ ચકચારી બનાવ બન્યો હતો. મેઘપર બોરીચીની ગોકુલ રિફાઇનરી સામે આવેલા એક એ.ટી.એમ.માં ભૂલથી રૂા. 50,000 વધુ ભરાઇ જતાં આ કૌભાંડ બહાર આવ્યું હતું. જુદી જુદી બેંકોએ પોતાના એ.ટી.એમ.માં નાણાં ભરવા માટે રાઇટર્સ સેફગાર્ડ પ્રા. લિ. નામની મુંબઇની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કંપનીના કર્મચારીઓએ પાસવર્ડ, સેન્ટર લોક વગેરે સિસ્ટમના કારણે ગરબડ કરી નાણાંની ઉચાપત કરી હતી. જે-તે વખતે 44 જુદા-જુદા એ.ટી.એમ.માંથી રૂા. 2.94 કરોડની ઉચાપત 12 શખ્સોએ કરી હોવાનું બહાર આવ્યું હતું. જે-તે વખતે જુદા જુદા પોલીસ મથકોએ નીલેશ નાગજી ચૌહાણ, આકાશ નલિન આશર, રાજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, નૈનેશ પોપટ પંચાલ, જયદીસિંહ જેઠુભા જાડેજા, ફેનિલ બિન્દુ હડિયા, સાલીન વિમલ મહેતા,જયેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ મહેન્દ્રસિંહ જાડેજા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીધામ એ-ડિવિઝનમાં જે-તે વખતે ઉચાપતના આ બનાવમાં ધારાશાત્રી દિલીપ જોશીનું નામ શકદાર તરીકે દર્શાવાયું હતું તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવના આરોપીઓ પૈકી પાંચેક શખ્સ પોલીસપુત્ર હોવાનું પણ જે-તે વખતે બહાર આવ્યું હતું. શરૂઆતમાં આ બનાવની તપાસ સ્થાનિક ગુનાશોધક શાખાને આપવામાં આવી હતી અને બાદમાં તત્કાલીનપોલીસવડા દિવ્ય મિશ્રએ આ તપાસ અંજાર એ.એસ.પી. વીરેન્દ્રસિંહ યાદવને સોંપી હતી. અંતે આ તપાસ રાજ્યની આતંકવાદ વિરોધી ટીમને મળી હતી. આ ટીમે રાજસ્થાન બાજુની એક હોટેલના સી.સી. ટી.વી.ના ફૂટેજ, રજિસ્ટર વગેરે પુરાવા એકત્ર કરી આજે આ ટીમ આદિપુર આવી પહોંચી હતી તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ધારાશાત્રી દિલીપ જોશીની કોવિડ-19ની તપાસણી કરાવી આદિપુર પોલીસ મથકમાં તેની નોંધ?કરાવી કોર્ટમાં રજૂ કરવા લઇ?જવાયા હોવાનું બહાર આવ્યું હતું. આઠ વર્ષ બાદ આ કેસ ફરીથી ચર્ચામાં આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer