અંજારમાં તાળાં તોડી 89 હજારની ચોરી

ગાંધીધામ, તા. 26 : અંજારના મેઘપર ફાટક નજીક પંચવટી સોસાયટીમાં આવેલા એક બંધ મકાનના  તાળાં તોડી તસ્કરો તેમાંથી દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા. 89,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.અંજારની પંચવટી સોસાયટીના મકાન નંબર 11માં રહેતા અલારખા હુસેન ખલીફા નામના યુવાન ગાયત્રી ચાર રસ્તા પાસે  ઓકે હેર સ્ટાઇલ નામની વાળ કાપવાની દુકાન ચલાવે છે. આ યુવાન પોતાના બે દીકરા અને પત્ની સાથે  ગત તા. 24/5ના પોતાના સસરાના ઘરે ગયો હતો.એકતા નગરમાં સસરાના ઘરે ગયા બાદ રાત્રે જમીને આ પરિવાર ત્યાં જ રોકાઇ ગયો હતો. બીજા દિવસે તા. 25/5ના સવારે પાણીનો  વારો હોવાથી આ ફરિયાદી યુવાન સવારના ભાગે પોતાના ઘરે આવ્યો હતો.આંગણાનો દરવાજો ખોલી અંદર જતાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું અને ઘરમાં સરસામાન વેર-વિખેર પડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નિશાચરો કોઇ હથિયાર વડે કબાટને ઉપરથી ખોલી તેમાંથી રોકડા રૂા. 45,000 તથા સોનાના બુટિયા જોડી નંગ-1, નાના બાળકોની સોનાની વીંટી નંગ-2, સોનાનું લોકેટ, ચાંદીના સાંકળા જોડી નંગ-2 એમ કુલ રૂા. 89,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.ઇદના પર્વે જ ચોરીનો આ બનાવ પ્રકાશમાં આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.  અંજાર શહેર અને તાલુકામાં અગાઉ થયેલી ચોરીના બનાવે હજુ વણઉકેલ પડયા છે તેવામાં વધુ એ ઘરફોડ ચોરીના બનાવથી લોકોમાં ચિંતા પ્રસરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer