કોઠારા જવાનું કહીને ઘરેથી નીકળેલો વાંકુનો ખેતમજૂર મૃત મળી આવ્યો

ભુજ, તા. 26 : કોઠારા જવાનું કહીને બે દિવસ પહેલાં ઘરેથી નીકળેલો અબડાસાના વાંકુ ગામના વાડી વિસ્તારમાં રહેતો આદિવાસી શ્રમજીવી રણજીત ધાસિંગ નાયકા (ઉ.વ.35) વાંકુ અને સાંયરા વચ્ચેની નદીમાંથી મૃત મળી આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીનો વતની રણજીત નાયકા ગત રવિવારે સાંજે તેના ઘરેથી કોઠારા જઉં છું તેમ કહીને નીકળ્યો હતો. આ પછી ગઇકાલે સોમવારે બપોરે તે વાંકુ અને સાંયરા વચ્ચેની નદીમાંથી મૃત મળી આવ્યો હતો.  બાવળની ઝાડીમાંથી મૃત મળી આવેલા આ ખેતમજૂરના પગલે જખૌ પોલીસ બનાવના સ્થળે ધસી ગઇ હતી. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે મૃત્યુ પછવાડેના ચોકકસ કારણો જાણવા માટેની કવાયત હાથ ધરાઇ છે. ફોજદાર ડી.એ. ઝાલાએ કેસની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer