અબડાસામાં ઉદ્યોગ એકમોનો સ્થાનિકોને સહાયનો ઠેંગો

ગિરીશ જોશી દ્વારા- ભુજ, તા. 26 : અબડાસાની ધરતીમાં ઉત્ખનન કરીને દર વર્ષે અબજો રૂપિયાની આવક મેળવતા ઉદ્યોગોએ લોકડાઉનના ખરા સમયે આસપાસના ગ્રામજનો હોય કે કંપનીમાં જ કામ કરતા શ્રમિકો, સૌને ઠેંગો બતાવ્યો છે. છેલ્લા બે-બે મહિનાથી બંધ પડેલા તમામ ધંધા-રોજગારના સમયે સ્થાનિકોને મદદ કરવા હાથ તો નથી લંબાવ્યો પરંતુ સરકારમાં પોતાની વગનો ઉપયોગ કરી ટ્રેન ભરીને મજૂરોને પોતાના વતનમાં રવાના કરી નાખ્યા હોવાનો નારાજગીનો સૂર ઊઠયો છે.કોરોના વાયરસને પગલે સમગ્ર ભારતમાં 21મી માર્ચથી લાગુ કરામાં આવેલા લોકડાઉનથી દરરોજ સામાન્ય રીતે ધમધમતો આ દેશ અચાનક થંભી ગયો હતો. છેવાડાના કચ્છની વાત કરીએ તો કચ્છના પશ્ચિમી છેડે અબડાસા તાલુકામાં સ્થપાયેલા મહાકાય સિમેન્ટ એકમોએ આવા સમયે પોતાની સામાજિક જવાબદારી નિભાવવાનો ખરો સમય હતો પરંતુ કોઈ એક ગામમાં નવા પૈસાની મદદ કરવામાં આવી નથી. સમગ્ર દેશમાં સિમેન્ટમાં ડંકો વગાડતા અલ્ટ્રા ટેક અને સાંઘી સિમેન્ટ જેવા એકમોએ આસપાસનાં ગામોમાં સ્થાનિક લોકોને રાશનથી માંડી માસ્ક કે સેનિટાઈઝર પહોંચાડવાની સેવા કરવાની હોય, પરંતુ સ્થાનિક લોકો કહે છે કે અમને કંપનીએ કોઈ જ મદદ કરી નથી. ઉદ્યોગગૃહોએ સરકારની સૂચના અવગણી હોવાનું કેટલાક સરપંચો કહે છે. સાંઘી સિમેન્ટ જે વિસ્તારમાં કાર્યરત છે ત્યાંના નજીક અકરી મોટીના સરપંચ હાજી જુમા જતએ કહ્યું કે, અત્યારે કંપની બંધ છે અને બે મહિના થયા કંપની તરફથી એક પણ વ્યક્તિને મદદ કરવામાં નથી આવી, ઉદ્યોગના કારણે તેના પર નભતા લોકો, મજૂરવર્ગ મુશ્કેલીમાં છે અને અમે કંપનીના અધિકારી શ્રી ગોહિલ સમક્ષ વારંવાર રજૂઆત કરી તો જવાબ મળે છે કે કરીશું, પણ નથી રોજગારી મળતી કે નથી કોઈ સહાય, સામગ્રી, રાશન પણ આપવામાં આવતું નથી. આસપાસમાં 20 ગામો આવેલાં છે પણ બધા જ ગામોના લોકો ઘેર બેઠા છે ને આર્થિક રીતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગોલાય, હોથિયાય, નાની બેર વગેરે ગામોના લોકોની હાલત અત્યંત કફોડી છે એમ સરપંચે જણાવ્યું હતું. વાયોર પાસે અલ્ટ્રા ટેક જેવી મોટી સિમેન્ટ કંપની કાર્યરત છે ત્યારે વાયોર ગામના સરપંચપતિ સાહેબજી જાડેજા કહે છે કે આટલા મોટા ઉદ્યોગની નજીક છીએ. બીજા લોકો એમ માનતા હોય છે કે તમે તો સુખી હશો, પરંતુ અમે કેટલા સુખી છીએ એ તો અમે જ જાણીએ છીએ. વાયોર, ઉકીર, વાગોઠ, ચરોપડી, ખારઈ સહિતના ગામોમાં કંપનીએ બે મહિનામાં કોઈ જ મદદ કરી નથી. અમે કંપનીના અધિકારીઓ પાસે આજીજી કરી કે બધા જ લોકો  ઘરોમાં છે, ગરીબોને કંઇક તો આપો. તો વિચારશું, એવા બે મહિનાથી જવાબ મળે છે.મોટી બેરના સરપંચ મામદ સુમાર જત પણ આ વાતમાં સૂર પૂરાવતાં જણાવે છે કે, સાંઘી કંપની પાસે ગયા તો કંપની ખોટમાં છે, એવા જવાબ મળે છે. આવા મહામારીના સમયમાં હાથ પકડવા તૈયાર નથી. કંપનીમાં બહારના જે મજૂરો કામ કરતા હતા તેઓને પોતાના વતનમાં રવાના કરી દેવાયા છે. સિમેન્ટ કંપની ઉપરાંત પવનચક્કી સ્થાપેલી સુઝલોન કંપની પણ મદદ કરવા તૈયાર નથી.મોટી સિંધોડી વિસ્તારને પવનચક્કીએ ઘેરો ઘાલ્યો છે, તો ગામના સરપંચ રાજલબેન ગઢવીના પતિ ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, બે મહિનામાં  કોઇ જ સેવા કરવામાં આવી નથી અને સુઝલોન કંપનીના કોઇ જવાબદાર અધિકારી પૂછા કરવા પણ આવ્યા નથી. એવી જ રીતે બિટ્ટામાં અદાણીનો મોટો  સોલાર પાર્ક કાર્યરત છે. અહીં પણ લોકોને કિટ કે મદદ આપવામાં આવી નથી, તેવું સરપંચ સૂરજી ગોરડિયાએ જણાવ્યું હતું. આ બાબતે કંપનીઓ શું કહે છે એ જાણવા અલ્ટ્રા ટ્રેકના અધિકારી કુંવરસિંઘનો સંપર્ક સાધતાં તેમણે  કંઇ ન કર્યાની વાત નકારીને  જણાવ્યું કે, અમે માત્ર 94 જણને વતનમાં મોકલ્યા છે, જ્યારે ચરોપડીમાં  15 દિવસ રોજ 500 લોકોને  ભોજન આપવાનું કામ કર્યું છે. 1200 લોકોની ટ્રેન ભરીને મજૂરો રવાના કરનારી સાંઘી કંપનીની કામગીરી જાણવા અધિકારી શ્રી ગોહિલનો વારંવાર સંપર્ક કર્યો, પરંતુ મોબાઇલ નો- રિપ્લાય આવ્યો હતો. એ જ રીતે  બિટ્ટા અદાણી સોલાર પાર્કના અધિકારી રમેશ પ્રજાપતિએ પણ કોલ રિસીવ કર્યો નહોતો.આ મુદ્દે અબડાસા સરપંચ સંગઠન પણ નારાજ છે. સંગઠનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ  જણાવ્યું કે, જે વિસ્તારમાંથી  કંપનીઓ કમાણી કરે છે ત્યાં મદદનો હાથ લંબાવવો જોઇએ. આસપાસના સરપંચો રજૂઆત કરશે તો અમે ઝંડો ઉપાડીશું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer