પાન-બીડી-માવા-દારૂ-ટ્રેન-વિમાન બધા જ શરૂ થઈ ગયા તો હવે ધર્મસ્થળોના દરવાજા ખોલો!

ભુજ, તા. 26 : 22મી માર્ચના જનતા કર્ફ્યુથી કચ્છભરનાં ધાર્મિક સ્થળો ભાવિકો માટે બંધ કરી દેવાતાં અને એક પછી એક એમ ચાર તબક્કે 31મી મે સુધી લોકડાઉન જાહેર કરાતાં આ પૂજનીય સ્થળો સાથે સંકળાયેલો વર્ગ તથા નિત્ય દર્શનના વ્રતધારીઓ પણ હવે અકળાઈ રહ્યા છે. જિલ્લાના ઈતિહાસમાં પોણા ચારસો વર્ષ બાદ પ્રથમ વખત રમજાન ઈદની નમાજ ઈદગાહ પર ન થઈ, તો એવા અનેક સત્સંગીઓ છે કે જે દેવનાં દર્શનના `પણ' સાથે પેઢી દર પેઢીથી અમુક જીવનશૈલીમાં જીવે છે તેમાં પણ બદલાવ લાવી રહ્યા છે. હવે આ બંધ દરવાજા ખૂલે તેવી માંગ પ્રબળ બની રહી છે. જિલ્લાભરમાં વસતા તમામ ધર્મ-કોમના ધાર્મિક સ્થળોને તાળાં લાગી ગયાં હોવાથી અને તમામના પરંપરાગત વ્રત-તહેવારો આ લોકડાઉનના તબક્કાઓમાં આવી જતાં અનેક ઉજવણીઓની પરંપરા તૂટી ગઈ છે. દેવમંદિરો, મસ્જિદો, જિનાલયો, ચર્ચ સાથે સંકળાયેલા વર્ગ પૈકી ખાસ મંદિરોના ઊંબરાની આવક સાથે જોડાયેલા વર્ગમાં હવે ધીમે-ધીમે આ બંધનો વિરોધ શરૂ થયો છે. લોકડાઉન વચ્ચે આંશિક રાહતનાં નામે ચા-પાન-બીડી-મસાલા-સિગારેટ તથા દારૂના ધંધા અમુક શરતે શરૂ કરી દેવાયા, ટ્રેનો પણ દોડતી થવા મંડી  અને વિમાનોમાં પણ વચ્ચેની સીટ ખાલી રાખવાની હા-ના વચ્ચે સેવા શરૂ થઈ ગઈ તો પછી તમામ ધર્મનાં પવિત્ર એવાં ધર્મસ્થળોને હવે દર્શન-ઈબાદત માટે ખુલ્લા મૂકવા જોઈએ તેવી માંગ ઊઠી રહી છે. ભાવિકોએ વર્ષોના વિવાદ બાદ રામમંદિર જન્મસ્થળના મુદ્દે સંમતિ સધાઈ ગઈ અને અયોધ્યામાં રામમંદિર નિર્માણકાર્યનો આરંભ થઈ ગયો, એ ધાર્મિક ઘટનાને ટાંકતા ફોન પર જણાવ્યું હતું કે, હવે કચ્છભરનાં ધાર્મિક સ્થળોનાં તાળાં પણ ખોલી નાખવાનો શ્રેષ્ઠ સમય છે. આ તમામ ધાર્મિક સ્થળોએ સંસ્કારી લોકો પવિત્ર ભાવના સાથે પોતપોતાની અરજ-અરદાસ લઈને આવે છે. જો દુકાનોની બહાર કુંડાળા કરીને સેનિટાઈઝરથી હાથ ધોઈને, માસ્ક સાથે પ્રવેશવાની છૂટ હોય તો એવું મંદિરોમાં પણ કરવું જોઈએ. ભાવિકો આમેય મંદિરના સમયથી વાકેફ છે. તેઓ ધર્મસ્થળે લોકડાઉનના નિયમો પાળે તેવી વ્યવસ્થા કરીને જો હવે મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-ચર્ચ ખોવામાં નહીં આવે તો અનેક જણ ધર્મવિમુખ થઈ જાય તેવી પણ વડીલોને દહેશત છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer