હાલના સંજોગોમાં ક્રિકેટ વાસ્તવિકતાથી દૂર : દ્રવિડ

નવી દિલ્હી, તા.26: ભારતીય ટીમના પૂર્વ સુકાની રાહુલ દ્રવિડનું માનવું છે કે જીવાણું વાતાવરણમાં ક્રિકેટ રમવું સુરક્ષિત નથી. તેણે કહ્યંy છે કે હાલની સ્થિતિમાં ક્રિકેટ વાસ્તવિકતાથી દૂર છે. આ પહેલા ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે એવું જાહેર કર્યું હતું કે તેનો જ્યાં સુરક્ષિત સ્થળ હશે ત્યાં કોવિડ-19ની મહામારીને ધ્યાને રાખીને ક્રિકેટ ફરી શરૂ કરવા તૈયાર છે. આ વિચારથી ભારતનો દિગ્ગજ બેટધર સહમત નથી. દ્રવિડ કહે છે કે ઇસીબી જે ચીજો પર વાત કરે છે તે વાસ્તવિકતાથી દૂર છે. નિશ્ચિત રીતે તેઓ સિરિઝના આયોજન માટે ઇચ્છુક છે પણ આ સ્થિતિમાં ખેલાડીઓએ યાત્રા કરવી, મેચનાં આયોજન કરવા વગેરે વસ્તુ અશક્ય સમાન છે. એક શ્રેણીનાં આયોજન સાથે ઘણા લોકો જોડાયેલા હોય છે. જે હાલ સંભવ નથી. સુરક્ષિત વાતાવરણમાં પણ પહેલા ખેલાડીઓને ક્વોરન્ટાઇન કરવા પડે. ટેસ્ટના બીજા દિવસે કોઇ ખેલાડી સંક્રમિત થઇ જાય તો શું ? તેવો સવાલ દ્રવિડે કર્યો હતો. દ્રવિડ કહે છે કે એનો મતલબ એ થયો કે ટેસ્ટ મેચ વચ્ચે જ સમાપ્ત થઈ જશે. આથી ક્રિકેટની વાપસીની સારી કોશિશ નિષ્ફળ બની જશે. એ નક્કી કરવું પડશે કે કોઇ ખેલાડી સંક્રમિત થશે તો ટૂર્નામેન્ટ રદ્દ કરાશે નહીં. આ માટે ગાઇડ લાઇન્સ તૈયાર કરવી પડશે.  દ્રવિડનું એવું પણ માનવું છે કે ક્રિકેટ ફરી ટ્રેક પર આવશે ત્યારે ખેલાડીઓએ માટે ફોર્મ અને ફિટનેસ માટે સારો એવો સંઘર્ષ કરવો પડી શકે છે. ખાસ કરીને બોલરોનું પ્રદર્શન વધુ પ્રભાવિત થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer