અખિલ ભારતીય ચારણ ગઢવી યુવા મહાસભામાં કચ્છના અગ્રણીઓને મળ્યું મહત્ત્વનું સ્થાન

ભુજ, તા. 26 : 21મી સદીમાં દિવસે ને દિવસે જ્યારે વિશ્વ નાનું બનતું જાય છે, ત્યારે દેશના વિભિન્ન પ્રાંતોમાં રહેતા ચારણ બંધુઓ પરસ્પર નિકટ આવે, પરસ્પર સામાજિક સંસ્કૃતિનો વિનિમય થાય અને જ્ઞાતિની યુવા પેઢીમાં સંગઠનાત્મક ભાવના વધારે સુદ્રઢ થઈને રચનાત્મક વિચારો થકી સમાજનું પરંપરા અને આધુનિકતાના સમન્વયસભર નવસર્જન કરવાના હેતુથી અખિલ ભારતીય ચારણ ગઢવી યુવા મહાસભાની તાજેતરમાં જ રચના કરવામાં આવી છે.આ સંગઠનના રાષ્ટ્રીય સંયોજક તરીકે હિંગલાજદાન નાંદીયાની નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સહ સંયોજક તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે રવિરાજ મુકેશદાન ગઢવીની નિયુક્તિ થઈ છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર યોગેશભાઈ બોક્ષાની રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે. કચ્છમાંથી સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ શંભુદાન ગઢવીના પુત્ર યુવા અગ્રણી અજયદાન ગઢવીની નિયુક્તિ કરવામાં આવી છે. ગૌ સેવા અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા રાજભા નારાણભા ગઢવી (ગાંધીધામ) પણ સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરાયા છે. અવિનાશ પ્રતાપદાન મહેડુ (સામરખા), આદિત્યદાન ઝુલા (રોજુ), ઈશ્વરભાઈ ગઢવી (રાયણ), રાઘવભા રામભા ગઢવી (લાકડિયા), વિપુલભા ગઢવી (ગાંધીધામ)ની સંગઠનના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અજયદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રના ચારણ સમાજના યુવાનોને આ સંગઠનના માધ્યમથી એક મંચ ઉપર લાવીને એક મેક પ્રત્યેની સામાજિક સદ્ભાવના વધુ મજબૂત બનાવવામાં આવશે. શિક્ષિત બેરોજગાર યુવાનો માટે અનેક ક્ષેત્રોમાં કારકિર્દી ઘડતર માટે તકો ઉત્પન્ન થાય એ બાબત પર ખાસ ભાર આપી આગામી દિવસોમાં અનેક રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે. કન્યા કેળવણી અને ત્રી સશક્તિકરણની દિશામાં પણ વધુ ભાર આપી સમાજની મહિલાઓને સંકુચિતતામાંથી બહાર લાવી આત્મનિર્ભર કરવામાં આ સંગઠન દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે તેવું સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer