કચ્છમાં કાર્યરત ઔદ્યોગિક એકમો કલ્યાણફંડમાંથી પશુઓ માટે દાન કરે

ભુજ, તા. 26 : કોરોનાને કારણે જારી લોકડાઉનની સ્થિતિમાં પશુધનની હાલત કફોડી બની ગઇ છે, ત્યારે કચ્છમાં  કાર્યરત ઔદ્યોગિક એકમો તેમના સીએસઆર ફંડમાંથી પશુઓ માટે દાન આપે તેવો સરકાર આદેશ જારી કરે તેવી માંગ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. દાન વગર ગૌશાળા-પાંજરાપોળનું સંચાલન કરવું અશક્ય હોઇ જો ઔદ્યોગિક એકમો પોતાના આ ફંડમાંથી દાન આપે તો 178 ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ માટે મોટો ટેકો મળે તેમ હોવાનું અખિલ ગૌશાળા-પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત સોંદરવાએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે. ઔદ્યોગિક એકમોના આ દાનની રકમના પારદર્શી ઉપયોગ માટે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં પશુધન બચાવ કમિટીની રચના કરવા, આ કમિટીમાં તમામ પ્રાંત અધિકારી તેમજ ગૌશાળા-પાંજરાપોળ સંઘના પ્રતિનિધિને સ્થાન આપવા, કમિટીના નામે બેન્ક એકાઉન્ટ ખોલી તમામ ગૌશાળા પાંજરાપોળને પશુઓની સંખ્યાના આધારે રકમ ફાળવવા સાથે પશુદીઠ સબસિડી સહાય જુલાઇ માસ સુધી ચાલુ રાખવાની માગણી કરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer