અંજારમાં આવેદન આપવા આવેલા પાંચ કોંગ્રેસ સભ્ય સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 26 : અંજાર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા પાંચ કોંગ્રેસીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો. આ અંગે કોંગ્રેસીઓએ વિરોધ  વ્યકત કર્યો હતો. અંજાર મામલતદાર કચેરીમાં આજે સવારે અંજાર શહેર, તાલુકાના કોંગ્રેસીઓ આવ્યા હતા. તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યા બાદ તમામ ત્યાં કમ્પાઉન્ડમાં  ઊભા હતા ત્યારે ત્યાં પોલીસ આવી હતી અને સામાજિક અંતર ન જાળવનારા દિલીપસિંહ અમરસિંહ ઝાલા, કરસન રાણાભાઇ રબારી, ગણેશ રાઘા રબારી, લાખા સુજા રબારી અને જિતેન્દ્ર દેવજી દાફડાની અટક કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે અંજાર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ કરસન રબારીએ  મામલતદાર એ. બી. મંડોરીને  લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં આ અધિકારીનું કોંગ્રેસથી ભેદભાવભર્યું વલણ હોવાનું જણાવાયું હતું. શાસક પક્ષના નેતા જ્યારે આ કચેરીમાં  આવે છે કે અન્ય બેઠકોમાં જાય છે ત્યારે ત્યાં પણ સામાજિક અંતર જળવાતું નથી તેવો આક્ષેપ કરાયો હતો. આ અંગે ગંભીરતાપૂર્વક નોંધ લેવા આ પત્રમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer