માંડવીના સ્ટોરમાં અખાદ્ય માલ તંત્રે જપ્ત કર્યો

માંડવી, તા. 26 : શહેરના કે.ટી. શાહ રોડ ઉપરના એક પ્રોવિઝન સ્ટોર (જનરલ સ્ટોર)માં કથિત અખાદ્યમાલનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે તંત્રે કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો મળી હતી. આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ઘટનાની જાણકારીના આધારે અહીંના મામલતદાર તંત્ર અને નગરપાલિકાની સંયુક્ત ટીમે દરોડો પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરતાં માલ અને લાયસન્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ બનાવે ધંધાર્થીઓમાં ફફડાટ સાથે ચર્ચાને કારણ મળ્યું હોવાનું માહિતગાર સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાજેતરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી હતી. અખાદ્ય વસ્તુ વેચાણ ન થાય તેની તકેદારીની ઝુંબેશના ભાગરૂપે પૂનમચંદ ચત્રભુજ શાહની દુકાનની ચકાસણી કરવામાં આવતાં બિસ્કિટનો એક્સપાયરી ડેટવાળો માલ-જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.તદુપરાંત શોપ ચલાવતા દિગંતભાઇ શાહ સામે ખોરાક અને ઔષધ નિયમન કાયદાના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ મ્યુ. પ્લેટ નંબર 3537/2ની દુકાનનું લાયસન્સ જપ્ત કરવામાં આવતાં વેપારી આલમમાં  ફડફડાટ મચ્યો હતો. નાયબ મામલતદાર વિજય ગઢવી, નગરપાલિકાના ઓ. એસ. કાનજીભાઇ શિરોખા, સેનિટેશન હેડ મુકેશભાઇ ગોહિલ, શોપ ઇન્સ્પેક્ટર રમેશ ઝાલા સહિતની સંયુકત ટીમે કામગીરી હાથ ધરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer