ગાંધીધામ સંકુલમાં બીડી-તમાકુની કૃત્રિમ અછત

ગાંધીધામ, તા. 26 : જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા આ સંકુલમાં શરૂઆતમાં લોકડાઉનના પગલે તમાકુ અને તેના ઉત્પાદનોની અછત વર્તાઇ હતી અને હવે કાળાબજાર કરનારા વેપારીઓની મેલી મુરાદના કારણે કૃત્રિમ અછત સર્જાઇ છે. આ સંકુલમાં તમાકુ અને બીડી માટે બે-બે હત્યા થઇ ચૂકી છે ત્યારે ભચાઉની જેમ અહીં પણ તંત્રે કામગીરી કરવી જોઇએ તેવું બંધાણીઓ ઇચ્છી રહ્યા છે.આ સંકુલમાં લોકડાઉનના પગલે તમાકુ અને તેના ઉત્પાદનોની અછત વર્તાઇ હતી. આવી વસ્તુઓ ઉપર પ્રતિબંધ હોવાથી દસ ગણા ભાવ લઇને વેપારીઓએ બંધાણીઓને રીતસર લૂંટયા હતા.અંતે કંટાળીને બંધાણીઓએ સોશિયલ મીડિયામાં સંદેશ વહેતા મૂકયા હતા, જેમાં જણાવાયું હતું કે, બંધાણીઓ યાદ રાખજો. લોકડાઉનમાં તમારી લાચારીનો લાભ લઇ 10 ગણા ભાવ જે વેપારીએ તમારી પાસેથી લીધા છે. લોકડાઉન ખુલ્યા બાદ આવા વેપારીઓના ઉંબરે કયારેય ન ચડતા, લોકોની લાચારીનો લાભ લેનારા આવા વેપારીઓને બાદમાં સબક શીખવાડશું સહિતના લખાણો નજરે ચડયા હતા.આ લોકડાઉન દરમ્યાન અમુક પોલીસેકર્મીઓ દ્વારા પણ વેપારીઓ પાસેથી માલ ઉપાડી બેવડા ભાવમાં વેચી નખાયો હોવાના પણ આક્ષેપ થયા હતા. લોકડાઉનમાં આંશિક રાહત અપાયા બાદ તમાકુ અને તેના ઉત્પાદનો પરથી પ્રતિબંધ  હટાવી લેવાયો હતો. આ વસ્તુઓની છૂટછાટ છતાં હજુ પણ અમુક વેપારીઓની બેવડા ભાવ લેવાની આદત ગઇ નથી.શરૂઆતમાં તંત્રએ એવી જાહેરાત કરી હતી કે, જો કોઇ બેવડા ભાવ લેશે તો તેવા વેપારી વિરુદ્ધ પગલાં લેવામાં આવશે, પરંતુ આ સંકુલમાં બેવડા ભાવ લેનારા એકેય વેપારી વિરુદ્ધ સમ ખાવા પૂરતી પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સંકુલમાં તમાકુ અને બીડી માટે બે-બે યુવાનોની હત્યા થઇ ચૂકી છે. બીજી બાજુ બેથી ત્રણ ગણા ભાવ વસૂલીને વેપારીઓ માનવતાને લજવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હજુ અન્ય કોઇ હત્યા થાય શું તંત્ર તેની રાહ જોઇ રહ્યું છે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. ભચાઉમાં તંત્રએ મોટા વેપારીઓને એકઠા કરી સામાજિક અંતર સાથે છૂટક વેપારીઓને માલ અપાવ્યો હતો તો અહીં શા માટે તંત્ર આવી કામગીરી કરતું નથી તેવા પ્રશ્નો પણ બહાર આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer