મેઘપર (કું)ની કેટલીક વસાહતોમાં મહિનાથી પીવાનું પાણી નથી આવ્યું

ગાંધીધામ, તા. 26 : કચ્છમાં ઉનાળો પૂર્ણ તીવ્રતા ધારણ કરી ચૂકયો છે, બરાબર ત્યારે જ અનેક વિસ્તારોમાંથી પીવાના પાણીની ખેંચના સમાચાર મળી રહ્યા છે. અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી)ની આસપાસની વસાહતોમાં એકાદ મહિનાથી પાણી ન મળ્યું હોવાની ગંભીર ફરિયાદ ઊઠી છે. રાધેશ્યામનગર તથા અન્ય વસાહતના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે મેઘપર (કું) ગ્રામ પંચાયત દ્વારા આમ પણ અઠવાડિયે એક જ વખત પાણી વિતરણ કરાતું હતું. દર શુક્રવારે કરાતા આ પાણી વિતરણનો ક્રમ એક મહિનાથી ઠપ છે. પીવાથી માંડીને વાપરવા માટે ઉનાળામાં પાણીની વધુ જરૂર હોય છે. બરાબર ત્યારે જ એક મહિનાથી પાણી ન મળતાં આ વસાહતોના રહેવાસીઓની સ્થિતિ કફોડી બની છે. નાછૂટકે ખાનગી ટેન્કરથી પાણી મગાવવા તેઓ મજબૂર બન્યા છે. સોસાયટીના ડેવલોપર્સ અને ગ્રામ પંચાયતે આ પ્રશ્નનનો સત્વરે ઉકેલ લાવવો જોઈએ. એવું કયું કારણ છે કે, એક મહિનાથી લાઈનમાં પાણી આવતું નથી તે પ્રશ્ન રહેવાસીઓને મૂંઝવી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer