દીનદયાળ બંદરે `ચિઠ્ઠી વ્યવહાર'' બંધ થતાં ડખો : ઘર્ષણનાં એંધાણ

ગાંધીધામ, તા. 26 : અહીંના દીનદયાળ બંદરે વર્ષોથી અનોખી ચિઠ્ઠી પ્રથા ચાલી આવે છે. જેને સારા અર્થમાં `સ્પીડ મની' પ્રથા કહે છે. હાલની આર્થિક પરિસ્થિતિને લઈને બંદર વપરાશકારોએ અચાનક આ `ચિઠ્ઠી વ્યવહાર' બંધ કરી દેતાં અનેક મજૂરો ઊંચા-નીચા થયા છે. બંદર ઉપર ખાનગી અને ડીપીટીના સત્તાવાર મજૂરો વચ્ચે ઘર્ષણ થાય તેવાં એંધાણ પણ મળે છે. મહાબંદર ઉપર દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નોંધાયેલા મજૂરો, ક્રેન ઓપરેટરો, વિંચમેનને જહાજમાંથી માલ ચડાવવા-ઉતારવા કામે રાખવા પડે છે. ગેંગ બુક કરાવ્યા પછી બંદર વપરાશકારને જે ગતિથી કામ કરવું છે તે ગતિથી કામ ન થવાથી વર્ષોથી આ બુક થયેલી ગેંગ કે ક્રેન ડ્રાઈવર, વિંચમેનને કામ વગર બેસી રહેવાનું મહેનતાણું ચિઠ્ઠી બનાવીને ચૂકવાય છે. તેનાં સ્થાને વપરાશકાર પોતાના ખાનગી માણસોને લાવી તેમનાથી કામ લે છે. આમ, એક બાજુ ડીપીટીનો પગાર અને બીજી બાજુ કામ ન કરવાની ચિઠ્ઠીની આવક મેળવીને ઘણા કામદારો મજા લઈ રહ્યા છે. બીજી તરફ વપરાશકારોને ધારી ઝડપે કામ થતું હોવાથી બધું બરાબર ચાલતું હતું, પરંતુ અત્યારની મંદીની પરિસ્થિતિમાં તથા મજૂરોના પલાયનને કારણે મજૂરી મોંઘી થવાથી નાણાંની ખેંચ અનુભવાઈ રહી છે. ડીપીટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વપરાશકારોએ આવા કારણથી ચિઠ્ઠી આપવાનું બંધ કરી દેતાં પલળેલા શ્રમજીવીઓમાં રોષ પ્રસર્યો છે. આમ, તો સીધી રીતે કામદાર સંગઠનો પણ કંઈ કરી શકે નહીં, પરંતુ વપરાશકારો ઉપર દબાણ લાવવા કોઈ ઘર્ષણ ઊભું થાય તેવા સંકેત મળે છે. ચિઠ્ઠી સાવ બંધ કરવાના બદલે તેમાં રકમ ઓછી કરી દઈને ચાલવા દેવાય તેવા વચલા રસ્તા અંગે આજે દિવસભર ડીપીટી પ્રશાસનિક ભવનમાં વાટાઘાટો ચાલતી રહી હતી. ભૂતકાળમાં પણ ચિઠ્ઠી બંધ થઈ ત્યારે વચલો રસ્તો કઢાયો હતો. પ્રશાસન આ સમગ્ર બાબતે મૌન ધરી રહ્યું છે અને અંદરખાને આ `સ્પીડ મની' પદ્ધતિને લઈને વિખવાદ વધે નહીં તે દિશામાં કાર્યરત હોવાનું સમજાય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer